Kotdasangani: તા.૧૬
અષાઢી બીજના પવિત્ર અવસરે કોટડાસાંગાણી શહેરમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડીયાર મંદિરથી કરવામાં આવ્યું હતું. જે શેડ રોડ, ગોદરા વિસ્તાર, શરીફ ચોક, સરદાર ચોક, ભાડવા રોડ, બહાર પરા વિસ્તાર તેમજ મુખ્ય બજારના વિવિધ માર્ગો પર ફરી હતી. નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા અંતે ફરી ખોડીયાર મંદિરે પહોંચી હતી, જ્યાં તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
પોલીસ તંત્રની સરાહનીય કામગીરી:
આ સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે કોટડાસાંગાણી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની સુંદર કામગીરી તેમજ હોમગાર્ડના જવાનોની ખડેપગે ફરજને કારણે શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ જળવાઈ રહી હતી, જે બદલ નગરજનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો આ આયોજનને સફળ બનાવવા માટે વિવિધ આગેવાનો તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

