Vadodara,તા.૧૧
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “સ્વચ્છતા સપ્તાહ” અભિયાન અંતર્ગત આજે વાઘોડિયા તાલુકાના દંખેડા ગ્રામ પંચાયત ખાતે વિશેષ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા શપથ ગ્રહણ કરી સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સામૂહિક સ્વચ્છતા અભિયાન દરમિયાન ગામના જાહેર સ્થળો, માર્ગો અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે ગ્રામજનોને કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન વસાવા, પંચાયતના ચૂંટાયેલા સભ્યઓ, સરપંચ, તાલુકા વિકાસ અધિકારી આરીફ શેખ, પારુલ યુનિવર્સિટીના ચેરમેન, ડિરેક્ટર, શિક્ષકગણ, જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ગામના જળસ્ત્રોતોને સ્વચ્છ રાખવા અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌને સક્રિય ભાગીદાર બનવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમનો સમાપન “સ્વચ્છ જળાશય સ્વસ્થ ગામ”ના સંદેશ સાથે કરવામાં આવ્યો હતો.

