(નયના દવે દ્વારા)
Jamnagarતા.૨૨
Jamnagar શહેરના ઘરાનગર વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પતિ નશો કરવાની ટેવ ધરાવતો હોવાનું તેમજ અવારનવાર બોલાચાલી કરી મારકૂટ કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ફરિયાદી રેશમાબેન ઈમરાન સુમરાના જણાવ્યા મુજબ, તેમના ઈમરાન સાથે તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મુસ્લિમ શરિયતના કાયદા મુજબ લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને બે માસની ઉંમરનો પુત્ર છે. લગ્ન બાદ પતિ સાથે રહેવા ગયા પછી પતિ કામધંધો કરતો નહીં અને નશો કરવાની ટેવ ધરાવતો હોવાથી અવારનવાર તેમની સાથે બોલાચાલી કરી મારકૂટ કરતો હોવાનો આક્ષેપ છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સાસુ અમીનાબેન પણ નાની-મોટી બાબતોમાં બોલાચાલી કરી ગાળાગાળી કરતા હતા, જ્યારે જેઠનો પુત્ર સાબાઝ અલ્તાફ પણ ગાળાગાળી કરી ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘર-સંસાર ટકાવી રાખવા માટે અગાઉ પણ આ ત્રાસ સહન કર્યો હોવાનું અને ગર્ભાવસ્થા દરમિયાન પણ સાસરિયાઓના ત્રાસથી રીસામણે જવું પડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પરિણીતાએ અગાઉ મહિલા પોલીસ મથકે પણ અવારનવાર અરજીઓ કરી હોવાનું અને ત્યારબાદ સમાધાન થતાં પતિ સાથે પરત જતી રહી હોવાનું જણાવ્યું છે. પુત્રના જન્મ બાદ પણ પતિ કે સાસરિયાઓએ યોગ્ય દરકાર લીધી ન હોવાનો આક્ષેપ છે.
દરમિયાન તા. ૧૮ ઓગસ્ટના રોજ પતિ ઈમરાન, સાસુ અમીનાબેન અને જેઠનો પુત્ર સાબાઝે તેમની સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી મારકૂટ કરી ઘરમાંથી કાઢી મુક્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ સાસરિયાઓ તેમને તેડવા આવ્યા ન હોવાથી અને સમાધાનનો કોઈ રસ્તો ન નીકળતાં આખરે તા. ૨૧ ઓગસ્ટના રોજ ફરિયાદ નોંધાવવા આવી હોવાનું જણાવ્યું છે.આ મામલે પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ સહિત ત્રણ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે.

