યુવક સાથે રહેતી યુવતી સહિત પાંચ જણા લાશ ફેંકીને ફરાર થયા : પોલીસે ત્રણ ઝડપી વધુ તપાસ હાથ ધરી
Ahmedabad, તા.૧૮
બાયડ તાલુકાના જીતપુર વાંટા ગામના અને અમદાવાદના વસ્ત્રાલ ખાતે મૈત્રી કરારથી રહેતા યુવકને અમદાવાદની યુવતીએ પોતાના ભાઈ-ભાભી સાથે મળી હિંમતનગર ખાતે પાર્ટી કરવાના બહાને યુવકને બોલાવ્યો હતો. જ્યાં યુવકના માથામાં ઇજા પહોંચાડી ગળુ દબાવી હત્યા કરી હતી. તે પછી યુવકની લાશને પોશીના તાલુકાના છોછર ગામની સીમમાં નાખી દીધી હતી.
પોલીસે મૃતક સાથે મૈત્રી કરારમાં રહેતી મહિલા અને તેના ભાઈ-ભાભીને ઝડપી લીધા હતા. કઠવાડામાં રહેતા રવિભાનસિંગ કેવલબહાદુર રાજપૂત, ભાવનાબેન રવિભાનસિંગ રાજપૂત અને અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી ગીતાબેન ઉર્ફે મોહિનીબેને મૈત્રી કરારથી સાથે રહેતા અમદાવાદના રાકેશ કાળાભાઈ પરમારને હિંમતનગર પાર્ટી કરવાના બહાને બોલાવ્યો હતો. તે પછી આ ત્રણ સહિત અન્ય બે જણાએ રાકેશ પરમાર પર હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી રાકેશ પરમારનું ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આ વ્યકિતઓ રાકેશ પરમારની લાશને છોછરની સીમમાં મૂકીને જતા રહ્યા હતા.આ અંગે મૃતકના ભાઈ દિનેશ કાળાભાઈ પરમારે કઠવાડાના દંપતિ, વસ્ત્રાલમાં રહેતી મહિલા અને અન્ય બે જણા સામે મંગળવારે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેયને ઝડપી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. મૂળ બાયડના જીતપુર વાટાનો વતની મૃતક રાકેશ પરમાર ગીતા રાજપુત નામની છોકરી સાથે મૈત્રી કરાર કરીને વસ્ત્રાલમાં રહેતો હતો, તે બીયર પીવાની ટેવ વાળો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં તેના ભાઈ દિનેશ પરમારે કર્યો હતો.

