New Delhi, તા.12
ડિજિટલ સંપત્તિ બજારમાં મની લેન્ડ્રીંગ, આતંકી નાણાં પોષણ અને ગેરકાયદે ગતિવિધિઓ પર અંકુશ લગાવવા માટે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સી એક્સચેંજ માટે નિયમોને વધુ સખ્ત કરી દીધા છે. હવે ક્રિપ્ટો પ્લેટફોર્મ પર ખાતા ખોલવા માટે લાઇવ સેલ્ફી, જિયો ટેગીંગ અને અદ્યતન ઓળખ વેરિફિકેશન ફરજિયાત થશે.
નાણાં મંત્રાલયને અધીન કામ કરનારી ફાયનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ)એ નવા એન્ટી મની લોન્ડ્રીંગ અને કેવાયસી દિશા નિર્દેશ જાહેર કર્યા છે. 8 જાન્યુઆરીએ જાહેર દિશા નિર્દેશો મુજબ ક્રિપ્ટો એક્સચેંજને હવે માત્ર દસ્તાવેજ અપલોડના આધારે ગ્રાહકોને જોડવાની મંજૂરી નહીં મળે.
નવા નિયમો અંતર્ગત યુઝર્સે ખાતુ બનાવતી વખતે એક લાઇવ સેલ્ફી લેવી પડશે, જેમાં આંખની પાંપણ ફરકાવવી અથવા માથુ હલાવવા જેવા સંકેતોથી એ નિશ્ચિત કરવું પડશે કે આવેદન કરનાર વાસ્તવિક છે અને કોઇ સ્થિર તસ્વીર કે ડીપફેક ટેકનિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.
યુઝર્સે ભોગૌલિક સ્થળની જાણકારી પણ નોંધાવવી પડશે. જેમાં ખાતુ બનાવતી વખતે સમયનું લોકેશન, તારીખ, સમય, આઇપી એડ્રેસ રેકોર્ડ કરવો સામેલ છે. આનો ઉદ્દેશ એ છે કે, કોઇ વ્યકિત બોગસ કે છુપી ઓળખથી પ્લેટફોર્મનો દુરુપયોગ ન કરી શકે.
નવા નિયમોમાં `પેની-ડ્રોપ’ પ્રક્રિયાને અનિવાર્ય કરવામાં આવી છે, જે અંતર્ગત બેન્ક ખાતાની પુષ્ટિ માટે 1 રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવશે, પાન કાર્ડ ઉપરાંત પાસપોર્ટ, આધાર કે વોટર આઇડી જેવી કોઇ બીજી ઓળખપત્રની પણ જરૂર પડશે.
ઇ-મેલ અને મોબાઇલના ઓટીપી વેરિફિકેશન પણ અનિવાર્ય કરી દેવાયું છે. આ ઉપરાંત એફઆઇયુએ સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ક્રિપ્ટોને કાયદેસર મુદ્દાનો દરજ્જો નથી અપાયા, પણ યોગ્ય સંપત્તિ જાહેર કરાઇ છે. પાંચ વર્ષ સુધી તેનો ડેટા રાખવો ફરજિયાત છે.

