(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૮
Jamnagar જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી બે અલગ-અલગ કાર્યવાહીમાં કુલ ૧૧ શખ્સો ઝડપાયા છે. લાલપુર તાલુકાના અપીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો ઝડપાયો હતો, જ્યારે જામનગર શહેરના વાંબે આવાસ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘોડીપાસાના જુગાર પર દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને બનાવોમાં મળીને રૂ. ૧.૫૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રથમ બનાવમાં લાલપુર તાલુકાના અપીયા ગામના પાદર વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે ‘‘તીન પત્તી રોન પોલીસ‘‘ નામનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા અને સ્ટાફે પંચોની હાજરીમાં કાર્યવાહી કરતાં લખમણ ભીમશીભાઈ નંદાણીયા, પરબત પભાભાઈ રાઠોડ, રણમલભાઈ અજાભાઈ જોગલ અને જેઠાભાઈ હમીરભાઈ લાખોત્રા જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. ૧,૯૭૦ની રોકડ અને ગંજીપત્તાના પાનાં કબજે કરી ગુજરાત જુગાર અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે બે આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૩૫(૧) મુજબ નોટિસ આપવામાં આવી હતી.
બીજી કાર્યવાહીમાં જામનગર શહેરના વાંબે આવાસ બ્લોક નં. ૨ નજીક જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.વી. ભાટીયા અને સ્ટાફે કાર્યવાહી કરતાં અસલમભાઈ અબ્બાસભાઈ બાબવાણી, નવસાદભાઈ વલીમામદભાઈ સુધાગુનીયા સુમરા, જાવેદભાઈ જુનુસભાઈ સુંભાણીયા વાઘેર, સામળાભાઈ કારાભાઈ સઠીયા ગઢવી, ફિરોજભાઈ કાદરભાઈ સોહરવર્દી ફકીર, કાદરભાઈ અબ્બાસભાઈ બાબવાણી સુમરા અને રહીમભાઈ જુસબભાઈ બાબવાણી સુમરાને ઝડપી પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી રૂ. ૧૭,૮૫૦ની રોકડ, બે ઘોડીપાસા, બે મોટરસાયકલ અને સાત મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧,૫૨,૮૫૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે એલસીબીના કોન્સ્ટેબલ ધનશ્યામભાઈ ડેરવાળીયાની ફરિયાદના આધારે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

