વર્ષ-૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જિસ્મ‘ એક સફળ ઈરોટિક થ્રિલર હતી, જે બિપાશાના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી
Mumbai તા.૭
બોલિવૂડ અભિનેત્રી બિપાશા બસુ એક સમયે હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં ગણાતી હતી. જોકે, લગ્ન અને પુત્રી દેવીના જન્મ પછી તેણે થોડા સમય માટે લાઈમલાઈટથી અંતર જાળવી રાખ્યું છે. હાલમાં બિપાશા તેના પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે ઘરે જ સમય વિતાવી રહી છે. બિપાશાએ વર્ષ ૨૦૦૧માં ફિલ્મ ‘અજનાબી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે વર્ષ ૨૦૦૩માં રિલીઝ થયેલી ‘જિસ્મ‘માં તેણે બોલ્ડ અને ઈરોટિક રોલ ભજવીને સૌને ચોંકાવી દીધા હતા. હવે બિપાશાએ ખુલાસો કર્યો છે કે જ્યારે તેણે આ ફિલ્મ માટે હા પાડી ત્યારે ઈન્ડસ્ટ્રીના લોકોએ તેને કેવી રીતે આ રોલ ન કરવા ચેતવણી આપી હતી.મળતી માહિતી અનુસાર, જ્યારે અભિનેત્રી બિપાસાએ ‘જિસ્મ‘ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેને ખબર હતી કે તે ખૂબ મોટું જોખમ લઈ રહી છે. તે સમયે ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોએ તેને આ ફિલ્મ ન કરવાની સલાહ આપી હતી, કારણ કે તેમને ડર હતો કે બોલ્ડ સીન્સ કરવાથી તેનું કરિયર બરબાદ થઈ શકે છે. પરંતુ બિપાશા તેમની વાતો સાથે સહમત નહોતી અને તેણે આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો. આ ફિલ્મમાં બિપાશા સાથે જોન અબ્રાહમ લીડ રોલમાં હતો. બિપાશા કહે છે- “ઈન્ડસ્ટ્રીમાં દરેક જણે મને કહ્યું કે ‘આ ફિલ્મ (જિસ્મ) ન કરો.’ તેમનું કહેવું હતું કે જો હું આવી ફિલ્મ કરીશ જેમાં થોડું પણ ઈરોટિક છે, તો મારું કરિયર પૂરું થઈ જશે. પરંતુ મારા માટે આ માત્ર એક એડલ્ટ લવ સ્ટોરી હતી અને મને તેમાં કોઈ વાંધો નહોતો. મારું માનવું હતું કે હું પણ એડલ્ટ છું અને આ માત્ર એક એડલ્ટ લવ સ્ટોરી છે. આ ફિલ્મ બાળકો માટે નથી. મને ખબર હતી કે આ કેવા પ્રકારની ફિલ્મ છે અને મેં શું સાઈન કર્યું છે. આ ફિલ્મમાં સોનિયાના પાત્ર દ્વારા મને અલગ-અલગ શેડ્સ એક્સપ્લોર કરવાની તક મળી, જે મને પસંદ આવી.”આ વાતચીત દરમિયાન બિપાશા બસુએ પુત્રી દેવીના જન્મ પછી વધેલા વજનને લઈને થયેલી ટ્રોલિંગ પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, “આજના સમયમાં પણ મહિલાઓને લઈને જે પ્રકારની વાતો થાય છે તે ખૂબ જ અજીબ છે. તમે બાળકને જન્મ આપો છો અને તમારી પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ૪૦ની ઉંમરે પણ તમે જાદુઈ રીતે ૨૦ની ઉંમર જેવા આકારમાં આવી જાઓ. બાળકના જન્મ પછી જો કોઈ મહિલા જલ્દી પોતાના શેપમાં પાછી ન આવી શકે તો તેને ટ્રોલ કરવામાં આવે છે.”વર્ષ-૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જિસ્મ‘ એક સફળ ઈરોટિક થ્રિલર હતી, જે બિપાશાના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. અમિત સક્સેનાના નિર્દેશનમાં બનેલી અને મહેશ ભટ્ટ દ્વારા લખાયેલી આ ફિલ્મમાં બિપાશાએ ‘સોનિયા ખન્ના’નો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મમાં ગુલશન ગ્રોવરે સોનિયાના અમીર પતિ રોહિત ખન્નાનો રોલ ભજવ્યો હતો.

