Morbi , તા.13
મોરબી શહેરમાં આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટની અગાસી ઉપર આવેલ ઓરડીમાં થોડા દિવસો પહેલા વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ તેની માતાને ધમકીઓ આપીને હેરાન પરેશાન કરનારા તે જ એપાર્ટમેંટમાં રહેતા એક મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓની સામે મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓ પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44)એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન રહે.
બધા સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવાર સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) ને અવારનવાર ફરિયાદીની હાજરીમાં તથા ગેરહાજરીમાં ધાક ધમકીઓ આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારને નુકસાન કરવાની ધમકી આપી હતી.
આમ ફરિયાદીના માતાને ટોર્ચર કરીને હેરાન પરેશાન કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો જેથી કરીને ફરિયાદીના માતા સવિતાબેન એપાર્ટમેન્ટના ધાબાની ઓરડીમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
મૃતક વૃદ્ધના દીકરાએ તેની માતાએ મારવા માટે મજબૂર કરનારાઓની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

