ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી વધી છે
Ahmedabad,તા.૩૧
સાયબર ક્રાઈમ ઉપર અંકુશ મેળવવા માટે નવા-નવા આયોજનો થઈ રહ્યાં છે. આ દરમિયાન ઠગાઈનો ભોગ બનેલાં લોકોને મોટી નુકસાની ભોગવવાનો વખત આવ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ સુધીના ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ૩૭૦૭ કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ થઈ છે. તેમાંથી માંડ ૯૭ કરોડ રૂપિયા જ લોકોને પાછા મળ્યાં છે. નેટ બેન્કિંગ અને કાર્ડસથી છેતરપિંડીના ગુનામાં ત્રણ ટકાથી ઓછી રકમની રિકવરી થવા પામી છે.
રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી વધી છે. આ ત્રણ વર્ષ દરમિયાન બેન્કોનો રિકવરી રેટ એક ટકાથી ઓછો હતો. ૩.૪૩ ટકા પહોંચ્યો છે, જે માત્ર ૩.૪૩ ટકા એટલે કે માત્ર ૨.૫૦ ટકા સુધર્યો છે. આવનારાં દિવસોમાં બેન્કો દ્વારા પૈસાની ગેરકાયદે હેરાફેરી અટકાવવા મ્યુલ એકાઉન્ટ્સ એ.આઈ.નો ઉપયોગ કરીને સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરવાળે, સાયબર ક્રાઈમની ગુનાખોરીમાં પ્રજાજનોએ ગુમાવવાનો જ વખત આવે છે.
છેતરપિંડીથી લોકોએ ગુમાવેલી રકમમાં વિતેલા ત્રણ વર્ષમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં લોકોએ ૯૮૬ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. તેમાં ૩૦ ટકાના ધરખમ વધારા સાથે લોકોએ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૨૮૬ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. ૧૧ ટકાના વધારા સાથે વર્ષ ૨૦૨૫-૨૬માં આ આંકડો ૧૪૩૫ કરોડ રૂપિયા પહોંચ્યો છે. આમ, વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતમાં બેન્ક ફ્રોડ, સાયબર ફ્રોડથી લોકોએ ૩૭૦૭ કરોડ રૂપિયા ગુમાવ્યા છે તેની સામે લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યાં છે.
લોકોની સમસ્યા હળવી કરવા માટે ગુજરાત પોલીસે સાયબર ઠગાઈના પૈસા જે બેન્ક ખાતામાં જમા થતાં હોય છે તેને જ ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આવા ત્રણ લાખ જેટલા એકાઉન્ટ્સ ફ્રીઝ બેન્ક સાથે સંકલન સાધીને સાયબર પોલીસ દ્વારા કરવામાં આવ્યાં છે. પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે કે ઈ-ચિટર્સ કાયદાની આંટીઘૂંટી જાણતા હોવાથી કોઈને કોઈ પેંતરાબાજી કરીને સાયબર ક્રાઈમ કરી જ રહ્યાં છે અને લોકો પૈસા ગુમાવી તે પરત મેળવવા માટે દોડધામ કરતાં રહે છે. ગુનેગારો બે ડગલાં આગળ રહે છે તે કહેવત સાચી ઠરતી જણાતી હોવા છતાં સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં પોલીસ અને બેન્કોની કાર્યપદ્ધતિ સુધારીને પ્રજાલક્ષી બનાવાઈ રહી છે. જો કે, સાયબર ક્રાઈમના ગુના જ ન બને અથવા તો ઘટે તે દિશામાં કાર્યવાહી કરવા જનજાગૃતિ કેળવવા માટે હજુ પોલીસ અને બેન્કોના પ્રયાસો અપૂરતાં જણાતાં લોકો છેતરાતાં રહે છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાત પોલીસે કરેલા બદલાવ મુજબ ૧૦ લાખની વધુની ઠગાઈ હોય તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાય છે. ૧૦ લાખથી ઓછી રકમની ઠગાઈ હોય તો રાજ્યના સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં સાયબર ક્રાઈમના ગુના અને તેમાં ગયેલી રકમનો આંકડો ખરેખર કેટલો? તે સવાલ છે.
ઓનલાઈન ચીટિંગ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થાય પછી પૈસા પરત મળે તો તે પરત કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે. જો શરૂઆતના કલાકોમાં ફરિયાદ થાય અને સાયબર ક્રાઈમ પોલીસ અને બેન્ક આ પૈસા બ્લોક કરી આગળ વધતાં અટકાવી શકે તો પણ તમારા ખાતામાં પરત મોકલવા માટે સાયબર ક્રાઈમ પોલીસ બેન્કના લેખિત જાણ કરે તે પછી જ કાર્યવાહી થાય છે. જો પોલીસ ફરિયાદને લાંબો સમય વિતી ગયો હોય પછી પૈસા પરત આવે તો કોર્ટમાં અરજી કરવી પડે, પોલીસ તપાસનો અહેવાલ આવે તે પછી કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે તે પછી બેન્ક દ્વારા પૈસા પરત કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે, જો સાયબર છેતરપિંડી થાય તેની એક કલાકમાં ગોલ્ડન અવર હોય છે અને આ સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ બ્રાન્ચ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવે તો પૈસા સરળતાથી પરત મળવાના ચાન્સ વધી જાય છે. નવી વ્યવસ્થા મુજબ, મોટી રકમ હોય તો ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં હવે બેન્કો એક કલાકનો સમય વિતાવે છે. આ દરમિયાન જ સાયબર ક્રાઈમ થયાની જાણ થાય અને તરત જ બેન્ક, પોલીસનો સંપર્ક કરવામાં આવે તો રકમ ટ્રાન્સફર કરવામાં આવતી નથી અને બચી જાય છે. એક વખત પૈસા તમારા બેન્ક ખાતામાંથી નીકળી જાય તે પછી તેને પરત મેળવવા પ્રોસિજર પૂર્ણ કરવી પડે છે.

