અમદાવાદમાં જ પ્રાથમિકની ૯૦ કરતા વધુ અને માધ્યમિક-ઉ. માધ્યમિકની ૧૧૦થી વધુ શાળા પાસે મેદાન નથી
Ahmedabad, તા.૩૧
એક તરફ ગુજરાત સરકાર અને અમદાવાદ શહેર ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬માં ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓની યજમાની મેળવવા અને તડામાર તૈયારીઓ કરવા માટે ઉત્સાહિત છે, ત્યારે બીજી તરફ શહેરનું શિક્ષણ જગત એક કડવી વાસ્તવિકતાનો સામનો કરી રહ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલી ૨૦૦થી વધુ શાળાઓ પાસે પોતાનું રમતગમતનું મેદાન જ નથી. આ પરિસ્થિતિને કારણે હજારો વિદ્યાર્થીઓ દૈનિક શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોથી વંચિત રહી રહ્યા છે.
તાજેતરમાં બહાર આવેલા આંકડા અને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગતો મુજબ, અમદાવાદમાં મેદાન વિહોણી શાળાઓની સ્થિતિ અત્યંત ગંભીર છે. સમગ્ર અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી જિલ્લામાં કુલ ૩૯૦ શાળાઓ પાસે પોતાનું મેદાન નથી. જેમાં ખાસ કરીને શહેરના ગીચ વિસ્તારોમાં આવેલી ૯૦ કરતાં વધુ પ્રાથમિક શાળાઓ અને ૧૧૦ કરતાં વધુ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેદાનનો તદ્દન અભાવ જોવા મળે છે. જમીનની અછત અને કોમર્શિયલ સંકુલો કે ભાડાની મર્યાદિત જગ્યાઓમાં ચાલતી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓને કારણે રમતના મેદાનની આ સમસ્યા વધુ વિકટ બની છે.
રાજ્યમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને ઘાસના મેદાનથી આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર કરવા માટે દર વર્ષે ‘ખેલ મહાકુંભ’નું આયોજન કરવામાં આવે છે. પરંતુ જ્યારે શાળાઓ પાસે દૈનિક પ્રેક્ટિસ માટે મેદાન જ ન હોય, ત્યારે આ રમત ઉત્સવનો મૂળ હેતુ કેમ સિદ્ધ થશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. વિદ્યાર્થીઓને રમતમાં રસ હોવા છતાં યોગ્ય ઈન્ળાસ્ટ્રક્ચરના અભાવે તેમની પ્રતિભા બહાર આવી શકતી નથી. શિક્ષણ વિભાગના નિયમો અનુસાર શાળાની માન્યતા માટે નિર્ધારિત ક્ષેત્રફળનું રમતનું મેદાન હોવું ફરજિયાત છે. અમદાવાદની મોટાભાગની શાળાઓ માત્ર સોગંદનામા અને વૈકલ્પિક કરારો બતાવીને માન્યતા મેળવી લે છે, પરંતુ વાસ્તવિકતામાં વિદ્યાર્થીઓને રમવા માટે પૂરતી જગ્યા મળતી નથી.
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શહેરી વિસ્તારોમાં જમીનની અછતને ધ્યાનમાં રાખીને શાળાઓ માટે રમતગમતના મેદાનના નિયમોમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે, જે અંતર્ગત શહેરમાં શાળાની માન્યતા માટે ઓછામાં ઓછું ૮૦૦ ચોરસ મીટરનું મેદાન હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે, અમદાવાદ જેવા મહાનગરમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો અને કોમર્શિયલ સંકુલોમાં ચાલતી શાળાઓ માટે આ ૮૦૦ ચોરસ મીટરનું મેદાન પૂરું પાડવું પણ અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યું છે. પરિણામે, અનેક શાળાઓ પોતાના કમ્પાઉન્ડમાં પૂરતી જગ્યા ન હોવા છતાં, નજીકના મ્યુનિસિપલ પ્લોટ કે અન્ય ટ્રસ્ટના મેદાનો સાથે ભાડાપટ્ટાના કરાર કાગળ પર દર્શાવીને આ નિયમનું પાલન બતાવે છે.
પરંતુ વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓને દૈનિક રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ માટે આ ૮૦૦ ચો.મી.ના મેદાનની સુવિધા પણ ઉપલબ્ધ થતી નથી, જેના કારણે નિયમ હોવા છતાં તેનો અમલ માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે.શહેરમાં ૮૦થી ૯૦ પ્રાથમિક અને ૧૦૦થી વધુ માધ્યમિક મળીને કુલ ૨૦૦ કરતાં પણ વધુ શાળાઓ પાસે રમવાનું મેદાન કે પોતાનું ધાબું સુદ્ધાં નથી. આગામી સમયમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આવી શાળાઓમાં તાત્કાલિક વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવી અનિવાર્ય છે.

