Anand,તા.૩૧
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારની ત્રણ સગી બહેનો તળાવમાં ડૂબી જતાં કરુણ મોત થયું છે. તળાવ કિનારે કાગળની હોડીઓ મળી આવ્યા બાદ પરિવારજનો અને સ્થાનિકોએ શોધખોળ હાથ ધરી હતી. બાદમાં ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
શકરપુર ગામના મોસમ ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિન બારૈયાની ત્રણ દીકરીઓ- ૧૩ વર્ષીય પ્રિયા, ૧૧ વર્ષીય ઈશા અને ૮ વર્ષની રીના- ૩૦ ઓગસ્ટના રોજ સાંજના સમયે ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડી તરફ ગઈ હતી. મોડે સુધી ત્રણેય બહેનો ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
લગભગ બે કલાકની શોધખોળ દરમિયાન તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ જોવા મળી હતી. જેના પગલે બાળકીઓ તળાવમાં ઉતરી હોવાની આશંકા મજબૂત બની હતી.સ્થાનિક તરવૈયાને જાણ કરવામાં આવતા તેણે તળાવમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી.
સાંજે આશરે ૬ વાગ્યાના અરસામાં સ્થાનિક તરવૈયા ચિરાગે તળાવના પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ત્રણેયને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.
એક જ પરિવારની ત્રણ દીકરીઓના એકસાથે મોતના સમાચારથી શકરપુર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હસતા-રમતા પરિવારમાં અચાનક ત્રણ દીકરીઓના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.ત્રણેય બહેનોની એકસાથે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતાં ત્રણેય બહેનો તળાવના ઊંડા ભાગમાં પહોંચી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

