Ahmedabad, તા.૨૬
બોડકદેવના એક વેપારીને ગઠિયાઓએ એક ઝીપ ફાઇલ મોકલી તેમના ફોનના તમામ રાઇન્ટ પોતાની પાસે લઇને રૂપિયા ૧.૫૦ કરોડ ટ્રાન્સફર કરાવી દીધા હતા. જે અંગે વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. વેપારી પોતાના એકાઉન્ટન્ટને ઇનકમ ટેક્સના નોટિસના નામે આવેલી ફાઇલ ટ્રાન્સફર કરી હતી.
જેને આધારે ગઠિયાઓએ ખેલ પાડી દીધો.રિયલ એસ્ટેટમાં વ્યવસાય કરતા બોડકદેવના વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેેલી ફરિયાદ મુજબ ૨૩ જૂનના રોજ તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં એક ઝીપ ફાઇલ આવી હતી. ફાઇલ સાથે એવો સંદેશ હતો કે તે આરબીઆઈ તરફથી મોકલવામાં આવેલી નોટિસ છે. જેમાં કંપનીના બેંક ખાતા સાથે સંકળાયેલી જોખમ નિયંત્રણ પ્રક્રિયા તથા અસામાન્ય નાણાકીય વ્યવહારો અંગે કાર્યવાહી થવાની અને ખાતું સ્થગિત થઈ શકે તેવી માહિતી દર્શાવવામાં આવી હતી. સાથે નાણાકીય વિભાગ દ્વારા તાત્કાલિક સમીક્ષા કરી જરૂરી સહકાર આપવા પણ જણાવાયું હતું.
આ સંદેશ વાંચ્યા બાદ વેપારીએ ઝીપ ફાઇલ પોતાની ઓફિસના એકાઉન્ટન્ટને ફોરવર્ડ કરી હતી અને તેમાં શું જણાવ્યું છે તેની તપાસ કરવા સૂચના આપી હતી. એકાઉન્ટન્ટે ઓફિસના કમ્પ્યૂટરમાં ફાઇલ ડાઉનલોડ કરી હતી.૨૪ જૂનની સવારે વેપારીને તેમના બેંક ખાતામાંથી ૧.૫૦ કરોડ ટ્રાન્સફર થયાનો મેસેજ મળતા તેઓ ચોંકી ઊઠ્યા હતા.
તેમણે તાત્કાલિક એકાઉન્ટન્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે વેપારીએ જ વોટ્સએપ પર મેસેજ કરીને તાત્કાલિક પેમેન્ટ કરવાની સૂચના આપી હતી. સાથે જ ફોન ન કરવા અને મીટિંગમાં હોવાથી કોલ રિસીવ નહીં કરી શકે તેમ પણ લખ્યું હતું. એકાઉન્ટન્ટે ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નંબર સ્વિચ ઓફ આવતાં તેણે મેસેજને સાચો માની રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.બાદમાં વેપારી અને એકાઉન્ટન્ટે બેંકનો સંપર્ક કરી ટ્રાન્ઝેક્શન બ્લોક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એકાઉન્ટન્ટના મોબાઇલમાં વેપારીના ફોટાવાળા અન્ય વોટ્સએપ નંબર પરથી મેસેજ મોકલાયા હોવાનું સામે આવ્યું હતું. તેમાં બેંક ખાતાની વિગતો મોકલી ૧.૫૦ કરોડ તાત્કાલિક ટ્રાન્સફર કરવા જણાવાયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઠગોએ મોકલેલી ઝીપ ફાઇલ એકાઉન્ટન્ટ દ્વારા કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરવામાં આવતાં સિસ્ટમ હેક થઈ ગઈ હતી. સાયબર ગઠિયાઓએ સિસ્ટમ અને માહિતીનો ઉપયોગ કરીને વેપારીના નામે ખોટા મેસેજ મોકલી છેતરપિંડી આચરી હતી.

