હવે માત્ર દોઢ કલાકમાં જ વડોદરાથી મુંબઈ પહોંચી જવાશે
Ahmedabad, તા.૯
ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડોદરામાં એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે સ્વદેશી નિર્મિત બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન આગામી વર્ષે મે-જૂન ૨૦૨૭ દરમિયાન શરૂ થશે અને આ સેવા શરૂ થયા બાદ મુસાફરો વડોદરાથી મુંબઈ સુધીનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકશે. ગુજરાતના વડોદરામાં આયોજિત ‘નમો ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ ભારતમાં જ બની રહેલી પ્રથમ બુલેટ ટ્રેનનો બોડી ળેમ તૈયાર થઈ ગયો છે અને તેને સ્ક્વિઝ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે. આ ટ્રેન મે કે જૂન ૨૦૨૭ સુધીમાં ટ્રાયલ માટે ટ્રેક પર ઉતરવાની ધારણા છે.રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, ૨ થી ૪ મહિના સુધી અલગ-અલગ તબક્કામાં ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવશે. આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવાને દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે અને તેનું ઉદ્ઘાટન કરશે.હાલમાં વડોદરાથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું અંતર આશરે ૩૯૧ થી ૩૯૨ કિલોમીટર છે, જે અત્યારની સૌથી ફાસ્ટ ટ્રેન ‘વંદે ભારત’ દ્વારા કાપતા પણ ૪ કલાક અને ૪૪ મિનિટ જેટલો સમય લાગે છે. પરંતુ બુલેટ ટ્રેન શરૂ થવાથી મુસાફરો આ સફર માત્ર ૧.૫ કલાક (દોઢ કલાક) માં જ પૂર્ણ કરી શકશે, જેનાથી સમયની મોટી બચત થશે.મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર આ હાઇ-સ્પીડ ટ્રેન ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે દોડવા માટે સક્ષમ હશે. આ પ્રોજેક્ટની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને સુરતથી વાપી વચ્ચેનો સિવિલ સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.૫૦૮ કિલોમીટર લાંબા આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર કુલ ૧૨ મુખ્ય સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.

