Ambaji,તા.૨૩
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહામેળાનો આજે ચોથો દિવસ છે. મેળાના પ્રથમ ત્રણ જ દિવસમાં ૧૬ લાખથી પણ વધુ માઇભક્તોએ જગતજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. હવે મેળાના માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોવાથી અંબાજી તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. માઇભક્તોના ઉત્સાહ અને ભક્તિને કારણે સમગ્ર અંબાજી ધામ પવિત્રતા અને આસ્થાથી સભર બની ગયું છે.
મેળાના ત્રીજા દિવસે મંદિરના શિખરે ૫ મીટર લંબાઈવાળી ૭૭૫ ધજાઓ ચડી હતી, અને ત્રણ દિવસમાં કુલ ૧૫૦૦ ઉપરાંત ધજાઓનું રોહણ થયું છે. આ સાથે જ ભક્તોમાં લોકપ્રિય એવા મોહનથાળ પ્રસાદના ૧૫ લાખ ઉપરાંત પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના ભંડારમાં ત્રણ દિવસની દાન-ભેટની કુલ આવક ૮૪.૮૬ લાખ રૂપિયા નોંધાઈ છે. આ ભવ્ય મેળા વચ્ચે અંબાજી મંદિરના ચાચરચોકમાં રાત્રિ દરમિયાન ભવ્ય આધ્યાત્મિક ડ્રોન શો યોજાયો હતો, જેમાં આકાશમાં આકર્ષક આધ્યાત્મિક દૃશ્યો કંડારવામાં આવ્યા હતા અને આવતીકાલે રાત્રિએ પણ આવો જ ડ્રોન શો યોજાશે.
આ વર્ષના અંબાજી મેળામાં પૌરાણિક પરંપરાઓનો સંગમ જોવા મળી રહ્યો છે. મેળામાં આસ્થાનું ખાસ પ્રતીક ગણાતો અને સૌથી જૂનો ૧૯૨ વર્ષ પૂર્વે શરૂ થયેલો ’લાલ ડંડા સંઘ’ અંબાજી પહોંચી ગયો છે. આ ઉપરાંત ૧૬૨ વર્ષ પૂર્વે શરૂ થયેલા પૌરાણિક ’વ્યાસવાડી સંઘ’ દ્વારા પણ અંબાજી મંદિરના શિખરે પૂરા ભાવ અને આસ્થા સાથે ધજા અર્પણ કરવામાં આવી. વર્ષો જૂની આ પરંપરાઓ આજે પણ તેટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે.
અંબાજી તરફ આવતા તમામ મુખ્ય માર્ગો પર આજે પણ સેંકડો સુશોભિત રથ અને પદયાત્રીઓ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં દર્શનાર્થીઓની લાંબી લાઈનો લાગી છે. સમગ્ર મંદિર પરિસર “જય અંબે”, “બોલ માડી અંબા, જય જય અંબા”ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. આગામી ત્રણ દિવસમાં હજુ પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે તેવી શક્યતા છે.

