Botad, તા.9
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંતભાઈ અંબાણીના 31માં જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે દાદાના ચરણોમાં 10 કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ
સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિખ્યાત DeLaval કંપનીના સહયોગથી 15 કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે.
મુખ્ય યજમાન
આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર ‘મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે. અંબાણી પરિવાર દ્વારા આ ભવ્ય શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા નિર્માણ કાર્ય એક ‘અવિસ્મરણીય સંભારણું’ બનાવવામાં આવશે.
ગૌ-સેવા પરમ ધર્મ
આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં.
સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, ‘દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે.
પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, મુકેશભાઈ, શ્રીમતી નીતાબેન, આકાશભાઈ-શ્લોકાબેન, શ્રીમતી ઈશાબેન-આણંદભાઈ તથા અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વરસતી રહે તેવી અમારી પ્રાર્થના છે.
અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

