Amreli તા.તા.25
લીલીયાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના એન.સી.સી. કેડેટ્સે ગત તા.૩ થી ૧૨, મે સુધી યોજાયેલા દસ દિવસીય વાર્ષિક પ્રશિક્ષણ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોલેજ તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. આ કેમ્પ દરમિયાન કોલેજના કેડેટ્સે ઉત્કૃષ્ટ શિસ્ત, અપ્રતિમ ઉત્સાહ અને વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના હેતુથી છેલ્લા ૨ વર્ષથી NCC પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.
આ યુનિટ સ્થાપનાકાળથી જ કોલેજના આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ.એ. રાઠોડ ના કુશળ અને પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ કાર્યરત છે.તેમના સતત માર્ગદર્શન અને સખત પરિશ્રમના પરિણામે જ કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ ટૂંકા ગાળામાં લશ્કરી તાલીમના ઉચ્ચ ધોરણો સર કરી શક્યા છે. આ વાર્ષિક કેમ્પ દરમિયાન કેડેટ્સને સવારની પી.ટી. અને કડક પરેડ ઉપરાંત રાઇફલ ફાયરિંગ (વેપન ટ્રેનિંગ), મેપ રીડિંગ (નકશા વાચન), ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) અને આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) જેવી સૈન્ય કક્ષાની સઘન તાલીમ આપવામાં આવી હતી.
આ સાથે જ કેડેટ્સે કેમ્પ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત અને સ્વચ્છતા અભિયાનમાં પણ સક્રિય ભાગ લીધો હતો. કોલેજના એન.સી. સી.ઑફિસર ડૉ. મહેશ એસ. ગઢિયાએ કેમ્પમાં ભાગ લેવા બદલ કેસેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. કોલેજના આચાર્યએ કેડેટ્સની આ સફળતાને બિરદાવતા જણાવ્યું હતું કે, “એન.સી.સી.એ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ યુવાનોમાં ‘એકતા અને શિસ્ત’ના મૂલ્યો રોપીને તેમને જવાબદાર નાગરિક બનાવવાની પાઠશાળા છે. છેલ્લા બે વર્ષમાં કોલેજના કેડેટ્સે જે સમર્પણભાવ દર્શાવ્યો છે. તેનાથી સંસ્થા ગૌરવ અનુભવે છે.
“કેમ્પની સફળ પૂર્ણાહુતિ કરીને પરત ફરેલા તમામ કેડેટ્સને કોલેજના શૈક્ષણિક સ્ટાફ, વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આગામી સમયમાં તેઓ ‘બી’ અને ‘સી’ સર્ટિફિકેટ પરીક્ષામાં પણ આવી જ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

