New Delhi,તા.27
ભારતીય ક્રિકેટ ટીમનાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક્ટર અને મોડેલ સમરીન કૌર સાથે પોતાનાં સંબંધોને સત્તાવાર રીતે જાહેર કરી દીધાં છે. લાંબા સમયથી ચાલી રહેલી ડેટિંગની અફવાઓનો અંત લાવતાં અર્શદીપ સિંહે ઇન્સ્ટાગ્રામ પર સમરીન સાથેનાં બે ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. આ પોસ્ટના કેપ્શનમાં તેણે “માય પર્સન” લખીને પોતાનાં પ્રેમનો એકરાર કર્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકો અને શુભેચ્છકો તરફથી આ બંને જોડીને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
અર્શદીપ સિંહની ગર્લફ્રેન્ડ સમરીન કૌર મનોરંજન ક્ષેત્રે જાણીતો ચહેરો છે. 7 સપ્ટેમ્બર, 1999ના રોજ જમ્મૂ-કાશ્મીરમાં જન્મેલી સમરીને પુણેની સિમ્બાયોસિસ કોલેજમાંથી બી.કોમ (Honours) નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 2018માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં જમ્મૂ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરીને ફાઇનલિસ્ટ બન્યાં બાદ તેને મોડેલિંગ ક્ષેત્રે ઓળખ મળી હતી. તેણે ઝી5 ની વેબ સિરીઝ ‘નેઇલ પોલિશ’ સિવાય ‘83’ અને ‘સરદાર જી 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે જુબિન નૌટિયાલ, બાદશાહ અને ગુરુ રંધાવા જેવા પ્રખ્યાત ગાયકોના મ્યુઝિક વિડિયોમાં પણ જોવા મળી છે.
આ બંને વચ્ચેનાં ડેટિંગની ચર્ચાઓ IPL 2026 દરમિયાન જોર પકડી રહી હતી. એક સ્નેપચેટ પોસ્ટમાં અર્શદીપ કોઈ યુવતીનો હાથ પકડીને બેઠો હોય તેવો ફોટો વાયરલ થયો હતો, જેના પરથી યુઝર્સે ટેટૂ અને કપડાં સરખાવીને તે યુવતી સમરીન હોવાનું અનુમાન લગાવ્યું હતું. તે પછી પંજાબ કિંગ્સની મેચો દરમિયાન સમરીન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને ચંડીગઢના ગ્રાઉન્ડમાં ટીમ અને અર્શદીપને ચિયર્સ કરતી વારંવાર જોવા મળી હતી. સ્ટેડિયમ બહાર પેપરાઝી દ્વારા તેની હાજરી કેમેરામાં કેદ થતાં ચાહકોની શંકા વધુ મજબૂત બની હતી.
સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓ અને મુસાફરીના ફોટા પરથી ચાહકોએ જે અટકળો લગાવી હતી, તેના પર આખરે અર્શદીપની આ પોસ્ટે મહોર મારી દીધી છે. અગાઉ સમરીનનું નામ જાણીતા યુટ્યુબર આશિષ ચંચલાની સાથે પણ જોડવામાં આવ્યું હતું, પરંતુ બંનેએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે. હવે અર્શદીપ અને સમરીને તેમના સંબંધોને જાહેરમાં સ્વીકારી લેતાં રમતગમત અને ગ્લેમર જગતમાં આ નવી જોડી ચર્ચાનો વિષય બની છે.

