Rajkot, તા.27
રાજકોટમાં ચોમાસાની સીઝન દરમ્યાન પણ અનેક વિસ્તારમાંથી દુષિત પાણીની ફરિયાદો આવતી હોય અને જનરલ બોર્ડમાં કોર્પોરેટરો પણ રોષ ઠાલવતા હોય, આજથી કમિશનરસહિતના અધિકારીઓએ જ્યાંથી પુરા શહેરમાં ઝોનવાઇઝ પાણી વિતરણ થાય છે એ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેવાનું શરૂ કર્યુ છે. આજે કમિશનર તુષાર સુમેરાએ ઇજનેરો સાથે ડબલ્યુટીપીની મુલાકાત લીધી હતી અને પાણીના કલોરીનના સેમ્પલ જાતે ચકાસ્યા હતા.
મહાપાલિકાના ટાંકાઓમાંથી નીકળતા પાણી અને લોકોના ઘર સુધી નળ વાટે પહોંચતા પાણીની ગુણવત્તા શુધ્ધ અને એક સરખી હોવી જોઇએ તેવી અધિકારીઓને સૂચના આપી છે. તો જરૂર પડયે સુપર કલોરીનેશન કરીને પણ દુષિત પાણીનો પ્રશ્ર્ન ઉકેલવા સૂચના આપી છે.
કમિશનર આજે વેસ્ટ ઝોનમાં આવેલા રૈયાધાર ડબલ્યુટીપી પર ગયા હતા. તેમની સાથે વોટર વર્કસ ઇજનેર કે.પી.દેથરીયા સહિતના અધિકારીઓ પણ હતા. પ્લાન્ટના સ્ટાફે પ્રોસેસમાં રહેલા પાણીના સેમ્પલ કમિશનરને દેખાડયા હતા. તો કમિશનરેજાતે પાણીની ગુણવત્તા ચકાસી હતી.
કલોરીનના સેમ્પલની ચકાસણી કરી હતી. કમિશનરે જણાવ્યું હતું કે, મનપાના આવા જુદા જુદા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આજથી ઉચ્ચ અધિકારીઓએ જાતે ચકાસણી કરવાનું શરૂ કર્યુ છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રહેલા પાણીની ગુણવત્તા સારી હોય અને કલોરીનેશન પણ યોગ્ય હોય તો અમુક વિસ્તારમાં લોકોના ઘર સુધી પહોંચતું પાણી પ્રદુષિત કેમ થઇ જાય છે તે ખાસ ચકાસવાની જરૂર છે.
લોકોના ઘર સુધી પાઇપલાઇન વાટે પાણી પહોંચે છે. આથી જો નળ સુધી પહોંચવામાં પાણી પ્રદુષિત થઇ જતું હોય તો પાઇપલાઇનમાં કોઇ ખરાબી, લીકેજ જેવી શકયતા રહે છે. આ તમામ બાબતો ચકાસવા અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આજે પાણી કલોરીન સાથે પ્લાન્ટ પર શુધ્ધ દેખાયું છે. આમ છતાં પાણીના નમુના લઇ વધુ પૃથ્થકરણ કરાવવામાં આવી રહ્યું છે. ચોમાસામાં તો દુષિત પાણીના કારણે લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આ માટે વિકલી સુપર કલોરીનેશન કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
પ્લાન્ટ બાદ દુર દુર સુધી જતી પાઇપલાઇન અને બાદમાં રહેણાંક વિસ્તારમાં જતી પાઇપલાઇનની ચકાસણી કરી લીકેજ હોય તો તે દુર કરવા સાથે લાઇનલોસથી પાણીનો બગાડ ન થાય તે પણ જોઇ લેવા ઇજનેરોને જણાવાયું છે.
આ સમગ્ર બાબતની ગંભીર ચકાસણી સીનીયર અધિકારીઓના સુપરવિઝનમાં થશે તેમ પણ કમિશનરે કહ્યું હતું.રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે કમિશ્ર્નર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કમિશનરે પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરિનેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ક્લોરિનના સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
કમિશનરે અધિકારીઓને પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા નિયમો મુજબ સતત જાળવી રાખવા, ક્લોરિનનું પ્રમાણ નિર્ધારિત ધોરણો અનુસાર જાળવવા તેમજ પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવામાં આવે તે અંગે સૂચના આપી હતી. મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સ્વચ્છ, શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી સતત ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ કમિશનરે કહ્યું હતું.
રૈયાધાર બાદ કમિશ્ર્નર અને ઇજનેરોની ટીમે ન્યારી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. પાણીની ગુણવત્તા ચકાસવા રો-વોટર અને ફિલ્ટર વોટરના નમુના ચકાસવામાં આવી રહ્યા છે.
રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પાણીના નમુનાની ચકાસણી કરી અધિકારીઓને સૂચના આપતા કમિશનર નજરે પડે છે.

