Ahmedabad, તા.2
IPL 2026માં રેકોર્ડ 776 રન બનાવ્યા અને શ્રેણીબદ્ધ પુરસ્કારો જીત્યા બાદ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના રાષ્ટ્રીય ટીમમાં તાત્કાલિક પ્રવેશ અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે. જોકે, BCCI એ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે તે આ અસાધારણ પ્રતિભાને ઉતાવળમાં નહીં, પણ આયોજનબદ્ધ રીતે ઉછેરવા માંગે છે.
બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, 15 વર્ષીય બેટ્સમેનનું ભવિષ્ય ઉજ્જવળ છે અને BCCI તેને ક્રિકેટના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડશે. દરમિયાન, ફાઇનલ પછી મેદાન પર હાજર રહેલા વૈભવે કહ્યું, ‘હું આગામી સિઝનમાં વધુ સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ. મેં શીખ્યા છે કે તમે હંમેશા હુમલો કરી શકતા નથી. તમારે પરિસ્થિતિઓ અને ટીમની જરૂરિયાતોને અનુરૂપ થવું પડશે.’ બિહારનો આ કિશોર બેટ્સમેન IPL ઇતિહાસનો સૌથી નાની ઉંમરનો ઓરેન્જ કેપ વિજેતા બન્યો.
સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનો 237.30 નો સ્ટ્રાઇક રેટ ‘બેબી બોસ’ની બેટિંગ પ્રતિભાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. સિઝનના અંતે વૈભવે એવોર્ડ સમારોહમાં પણ પ્રભુત્વ મેળવ્યું. તેને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન સહિત અનેક મોટા સન્માનો મળ્યા. આ એવોર્ડ્સ સાથે, તેને ટાટા સીએરા એસયુવી પણ આપવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, કાર જીતનાર વૈભવ સૂર્યવંશીને તેને ચલાવવા માટે ત્રણ વર્ષ રાહ જોવી પડશે, કારણ કે તે ફક્ત 15 વર્ષનો છે.
‘બેબી બોસ’ની પ્રતિભાના ચાહક બન્યા ક્રિકેટ દિગ્ગજો
વૈભવ સૂર્યવંશી શાનદાર ખેલાડી છે. આટલી નાની ઉંમરે તેના પ્રદર્શનથી સમગ્ર દેશ પ્રભાવિત અને આશ્ર્ચર્યચકિત થયો છે. તેનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. રાજીવ શુક્લા (BCCI ઉપાધ્યક્ષ)
વૈભવ અસાધારણ પ્રતિભાશાળી ખેલાડી છે. તેને ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઈએ. તેને વધુ રાહ જોવડાવવાનો કોઈ અર્થ નથી.
એમએસકે પ્રસાદ (પૂર્વ મુખ્ય પસંદગીકાર)
વૈભવ જેવી પ્રતિભાને રમતા જોવું ખૂબ જ રોમાંચક છે. IPL યુવા ખેલાડીઓને ઓળખ અને પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક આપે છે.
મેથ્યુ હેડન (પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર):
નવ વર્ષ પહેલાં તે સ્ટેન્ડમાં બેસીને મેચ જોતો હતો અને આજે ઓરેન્જ કેપ વિજેતા બન્યો છે. આ એક અવિશ્ર્વસનીય સફર છે.
સંજીવ ગોયંકા (LSG માલિક)
વિરાટે મેદાન પર વૈભવને ગળે લગાવ્યો
સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેચ બાદના પ્રેઝન્ટેશન પહેલાં વિરાટ કોહલીએ મેદાન પર વૈભવ સૂર્યવંશીને જોયા બાદ પોતે આગળ વધીને તેની સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ વિરાટે તેના ખભા પર હાથ રાખીને કેટલીક મહત્વપૂર્ણ વાતો કરી હતી.
જાણે તેને માર્ગદર્શન આપી રહ્યા હોય. આ દરમિયાન તેમણે વૈભવની પીઠ પણ થપથપાવી હતી. ચાહકોએ આ ક્ષણને વર્તમાન ‘કિંગ’ અને ભવિષ્યના ‘કિંગ’ની મુલાકાત તરીકે વર્ણવી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે લોકપ્રિય બન્યો છે અને લાખો લોકોએ તેને પસંદ કર્યો છે.

