Ahmedabadતા.૨૧
અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ ખાતે બે જુથ વચ્ચે બબાલની ઘટના સામે આવી છે. વાસ્તવમાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેના ઉંચા અવાજને કારણે બે જૂથ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. સામાન્ય વાદવિવાદથી શરૂ થયેલો મામલો થોડી જ વારમાં ઉગ્ર બની ગયો અને પરિસ્થિતિ પથ્થરમારો સુધી પહોંચી ગઈ. જોકે આ સમગ્ર મામલે શહેર કોટડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
પ્રાથમિક વિગતો મુજબ મળતી માહિતી અનુસાર, ૨૦ ફેબ્રુઆરીની રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે ઉંચા અવાજે વાગી રહ્યો હતો. આસપાસ રહેતા કેટલાક સ્થાનિકોએ અવાજ ધીમો રાખવા વિનંતી કરી હતી. આ મુદ્દે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને ત્યારબાદ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. સ્થળ પર ઉપસ્થિત કેટલાક લોકો ઉશ્કેરાઈ જતા મારામારી થઈ હતી. પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ બગડતાં કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હોવાની માહિતી સામે આવી છે.
આ તરફ ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક કાર્યવાહી હેઠળ ૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘટના બાદ બીજા દિવસે કેટલાક પરિવારજનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. મહિલાઓએ બેનર લઈને વિરોધ નોંધાવ્યો અને કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કર્યો.

