Surendranagar તા.16
જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં તા. 15ને બુધવાર ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો. ત્યારે અંતીમ દિવસે અનેક ઉમેદવારોએ રણ મેદાન છોડતા ભાજપના ઉમેદવાર બીન હરીફ થયા છે. ત્યારે જિલ્લાની 377 બેઠકોમાંથી 37 બેઠકો હાલ ભાજપ તરફી બીન હરીફ થઈ છે.
જેમાં સૌથી વધુ બેઠકો પાટડી નગરપાલીકાની ચૂંટણીમાં 16 બીન હરીફ થઈ છે. જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં આખરી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા હવે ઉમેદવારો મતદારોને રીઝવવામાં લાગી જશે. ઝાલાવાડમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ માહોલ જામ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આપ અને કોંગે્રસના જાહેર થયેલા ઉમેદવારોએ ભાજપની વિકાસની રાજનીતીને સમર્થન આપી કેસરીયો ધારણ કરતા વિપક્ષમાં સોપો પડી ગયો હતો.
ત્યારે સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ હતો. જે પહેલા છેલ્લા 2-3 દિવસથી ભાજપ દ્વારા સીટો બીન હરીફ કરાવવા શામ, દામ, દંડ, ભેદની નીતી અપનાવવામાં આવી હતી. જેમાં ત્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસે પણ ભાજપના હરીફ ઉમેદવારોએ રણ મેદાન છોડતા વધુ સીટો ભાજપ તરફી બીન હરીફ થઈ છે. લીંબડી નગરપાલીકામાં પણ ભાજપે શ્રીગણેશ કર્યા છે.
જેમાં લીંબડી પાલીકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી વોર્ડ નં. 1ના ભાજપના ઉમેદવાર કંચનબેન દીલીપભાઈ ડણીયા બીન હરીફ થયા છે. આમ, જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં કુલ 377 બેઠકો પરથી 37 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થતા હવે 340 બેઠકો પર ચૂંટણી જંગ જામનાર છે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓમાં આખરી ચૂંટણી ચીત્ર સ્પષ્ટ થતા હવે ઉમેદવારો પ્રચારમાં લાગી જશે.

