Bhavnagar તા.15
ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં ગોડાઉન ધરાવતા મેહુલભાઈ નામના 34 વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના મોટાભાએ પીન્ટુ સહિત ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગતો મુજબ મૃતક મેહુલભાઈ કેટરર્સ નામે વ્યવસાય કરતા હતા. ધંધા માટે તેમણે આરોપીઓ પીન્ટુ, રવી, ગોપાલ અને લાલા પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. વ્યાજ અને મુદ્દલની નિયમિત ચુકવણી કરવા છતાં આરોપીઓ દ્વારા સતત ફોન પર અને રૂબરૂમાં પઠાણી ઉઘરાણી કરી ગંભીર ધાકધમકીઓ આપવામાં આવતી હતી.
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આરોપી લાલાએ પૈસાના બદલામાં ફરિયાદીનું એક્ટિવા સ્કૂટર બળજબરીથી પડાવી લીધું હતું. વધુમાં, રવી ધમકી આપી હતી કે જો પૈસા નહીં ચૂકવાય તો ઘરના સભ્યોને બહાર કાઢી મૂકી ઘરને તાળું મારી કબજો લઈ લેશે. આ પ્રકારની સતત માનસિક પજવણી અને ધમકીઓના કારણે મેહુલભાઈએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મૃતકના અવસાન બાદ તેના પરિવારજનોએ મોબાઈલ તપાસતા તેમાં ચોંકાવનારા વોઈસ રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટ મળી આવ્યા હતા. જેમાં આરોપીઓ બિભત્સ ગાળો બોલી પૈસાની માંગણી કરતા સંભળાય છે. એક ચેટમાં લાલા દરરોજનું 1000 રૂપિયા વ્યાજ ઉમેરીને કુલ 2,41,000ની ઉઘરાણી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ઘોઘારોડ પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

