SurendranagarM,તા.૯
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો, તાલુકા પંચાયતની ૧૮૨ બેઠકો, ૪ નગરપાલિકાઓ અને એક મહાનગરપાલિકા માટે ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા કડક નિયમો બનાવતા જૂના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ કોંગ્રેસમાં ભાજપના ત્રણ ટર્મના આગેવાનો જોડાતા રાજકીય ગરમાવો વઘ્યો છે.
ભાજપ દ્વારા તાજેતરમાં ટિકિટ વિતરણ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો, ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ફરી તક ન આપવાનો અને સંગઠનમાં કાર્યરત પદાધિકારીઓના સગા-સ્નેહીજનોને પણ ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમોને કારણે વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
લીંબડી અને ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. આ વિસ્તારના ૫૨ ગામોના આગેવાન તરીકેની છાપ ધરાવતા તેજાભાઈ મેટાલીયાએ જણાવ્યું હતું કે, “ભાજપ છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યો છે અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ અવગણનાથી નારાજ થઈ અમે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે.” તેમણે આગામી ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની ખાતરી પણ આપી હતી.
ભાજપ છોડનારા નેતાઓ અને કાર્યકર્તાઓએ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ દ્વારા આ તમામ લોકોને ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી છે. હવે આ આગેવાનોએ ચૂંટણી લડવા અંગે બેઠકો શરૂ કરી દીધી છે. નૌશાદ સોલંકીના નેતૃત્વમાં આ જોડાણને કારણે સુરેન્દ્રનગરનું રાજકારણ ફરી ગરમાયું છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે અને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ પણ કરી રહ્યા છે.” તેમણે એમ પણ આક્ષેપ કર્યો કે ભાજપને પોતાના ઉમેદવારો પણ મળતા નથી. બીજી તરફ આ આક્ષેપોને લઈને ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જોકે પ્રતિ-આક્ષેપોની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
સ્થાનિક ચૂંટણીઓ પહેલા ભાંગતોડની નીતિ સતત ચાલુ રહી છે. ભાજપમાં અંદરોઅંદરની નારાજગી હવે ખુલ્લી રીતે સામે આવી રહી છે. એક તરફ ભાજપના કડક નિયમોએ જૂના કાર્યકર્તાઓને દૂર કર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ આ તકનો લાભ ઉઠાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની ૩૨ જિલ્લા પંચાયત, ૧૮૨ તાલુકા પંચાયત, ચાર નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની બેઠકો માટે હવે રાજકીય ઘમાસાન શરૂ થઈ ગયું છે.
