Rajkot, તા.31
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજયનાં 1પ જિલ્લા પૈકી ભાવનગરમાં પણ આજે રેડ એલર્ટ છે. ત્યારે ભાવનગરમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. જયારે રાજકોટ- જુનાગઢ સહિત અનેક જગ્યાએ સવારથી કાળા દિબાંગ વાદળો છવાયા છે અને બફારા વચ્ચે ગમે ત્યારે મેઘરાજાની એન્ટ્રી સંભવ છે.
ત્યારે સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થતા વધુ અહેવાલો મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. શહેર અને જિલ્લાભરમાં ભારે વરસાદી માહોલ ઊભો થયો છે.
કાળા ડીબાંગ વાદરો વચ્ચે સમગ્ર જિલ્લામાં વરસાદ સવારથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. તંત્ર દ્વારા પણ ભારે વરસાદની આગાહીને પગલે સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટરશ્રી ડો. મનીષ બંસલે આજે તા. 31 જુલાઈ, 2026ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
વાલીઓ અને નાગરિકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી બાળકોને અનાવશ્યક બહાર મોકલવાનું ટાળે તેમજ હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તથા આ સીઝનમાં જરૂરી સાવચેતી રાખે તે જરૂરી છે.
જયારે હવામાન વિભાગ દ્વારા તા.30 જુલાઈથી 1લી ઓગસ્ટ એમ ત્રણ દિવસ દરમિયાન જૂનાગઢ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિનો સામનો કરવા સજ્જ અને સતર્ક છે.જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે એમ જણાવતા જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ નાગરિકોને સાવચેત તેમજ સતર્ક રહેવા કરી અપીલ કરી હતી.
કલેકટરે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ (લો-પ્રેશર) ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર સંભવિત વરસાદી સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારોને,ચીફ ઓફિસર નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, લાયઝન અધિકારી અને તમામ લાઈન ડિપાર્ટમેન્ટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તેવા નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

