Ahmedabad,તા.31
પોતાના જ નામે જમા થયેલી ફિક્સ્ડ ડિપોઝિટના નાણાં મેળવવા માટે એક યુવકને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી. બેંક અને ઓમ્બુડ્સમેન કચેરી દ્વારા નાણાં ઉપાડવાની મંજૂરી ન અપાતાં અંતે મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. હાઈકોર્ટે તમામ પાસાં ધ્યાને લઈ યુવકની તરફેણમાં ચુકાદો આપતાં બેંકને ડિપોઝિટની રકમ વ્યાજ સહિત ચુકવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
સમગ્ર કેસની વિગત અનુસાર, અરજદાર સગીર વયનો હતી ત્યારે તેના પિતા ના વાલીપણા હેઠળ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવામાં આવી હતી. આ દરમિયાન તેના માતા-પિતા વચ્ચે ફેમિલી કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હોવાથી ફેમિલી કોર્ટે વર્ષ 2021માં આ ડિપોઝિટ પર યથાસ્થિતિ (સ્ટેટસ કો) જાળવી રાખવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો.
જોકે, બાદમાં માતા-પિતા વચ્ચેનો આ કાનૂની વિવાદ પરસ્પર સંમતિ કે અન્ય કારણોસર પાછો ખેંચાઈ ગયો હતો, જેના કારણે ફેમિલી કોર્ટનો યથાસ્થિતિનો આદેશ પણ આપોઆપ રદ થઈ ગયો હતો.
યુવક પુખ્ત વયની થયા બાદ તેણે પોતાના નામે રહેલી આ એફડી વટાવવા માટે બેંકનો સંપર્ક કર્યો હતો. પરંતુ સેન્ટ્રલ બેંકે જૂના કૌટુંબિક કેસના સ્ટેટસ કોના આદેશનું બહાનુ બતાવીને નાણાં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. બેંકના આ વલણ સામે તેણે રિઝર્વ બેંકના ઓમ્બુડ્સમેન સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ત્યાંથી પણ તેની ફરિયાદ ફગાવી દેવામાં આવી હતી.
અંતે બેંક અને ઓમ્બુડ્સમેનના અન્યાયી નિર્ણય સામે યુવકે એડવોકેટ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પીટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ નિરલ આર. મહેતા સમક્ષ થયેલી સુનાવણીમાં અરજદાર પક્ષે દલીલ કરવામાં આવી હતી કે હવે કૌટુંબિક વિવાદનો અંત આવી ગયો છે અને અરજદાર પોતે પુખ્ત વયનો થઈ ચુક્યો છે, જેથી તેના પોતાના નામના નાણાં મેળવવાનો તેને પૂર્ણ કાનૂની અધિકાર છે. બેંકના વિરોધનો કોઈ કાનૂની આધાર રહેતો નથી.
હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન બેંક પક્ષે પણ સ્વીકાર્યું હતું કે હવે જૂનો કેસ અસ્તિત્વમાં નથી અને કોઈ મનાઈહુકમ અમલમાં નથી. તમામ રજૂઆતો અને દસ્તાવેજોને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટે યુવતીની અરજી ગ્રાહ્ય રાખી હતી અને બેંક તથા ઓમ્બુડ્સમેનના આદેશોને રદબાતલ ઠેરવીને યુવતીને તેની તમામ ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ સાથે ઉપાડવાની મંજૂરી આપી હતી.

