Mumbai,, તા. 22
પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં છે. મળતી માહિતી મુજબ, ગોપાલગંજના માધોપુર થાણા વિસ્તારનાં બેલસંડ ગામમાં જૂની અદાવતના કારણે પડોશમાં રહેતાં લોકોએ જ આ વારદાતને અંજામ આપ્યો છે. ધારદાર હથિયારથી થયેલાં આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે.
બિજેન્દ્ર નાથ તિવારીની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ ઈલાજ માટે પટના સ્થિત AIIMS માં રિફર કરવામાં આવ્યાં છે. એક ન્યુઝ વીડિયોમાં ગોપાલગંજની મોડેલ હોસ્પિટલનાં તબીબો તેમની સારવાર કરતાં નજરે પડે છે.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને ઘટના બાદ ફરાર થઈ ગયેલાં હુમલાખોરોને પકડવા માટે એક સ્પેશિયલ ટીમની રચના કરી છે જે વિવિધ જગ્યાએ દરોડા પાડી રહી છે.
પોલીસે પંકજ ત્રિપાઠીના પરિવારજનો અને આસપાસનાં લોકોની પણ પૂછપરછ કરી છે. પોલીસનું કહેવું છે કે સઘન તપાસ બાદ જ આ જીવલેણ હુમલાનું અસલી કારણ બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, ગોપાલગંજનું બેલસંડ પંકજ ત્રિપાઠીનું પૈતૃક ગામ છે અને તેઓ અવારનવાર અહીં આવે છે.

