(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
Jamnagar જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસે સજા વોરંટના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરના ૭મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, જામનગરના ફોજદારી કેસ નં. ૮૭૮૬/૨૦૧૮ અંતર્ગત કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના મૂળ વતની ભરતભાઈ દેવદાનભાઈ બાલસરા સામે જારી કરાયેલ સજા વોરંટની બજવણી કરવાની હતી. જોકે આરોપી છેલ્લા દોઢ વર્ષથી સજાની કાર્યવાહીથી બચવા ફરાર થઈ ગયો હતો.
કાલાવડ ગ્રામ્ય પોલીસે બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ ચલાવી રાજકોટ જિલ્લાના પરા પીપળીયા ગામેથી ભરતભાઈ દેવદાનભાઈ બાલસરા (ઉ.વ. ૩૯), મૂળ રહેવાસી ખંઢેરા ગામ, તાલુકો કાલાવડ, હાલ પરા પીપળીયા ગામ, રાજકોટને ઝડપી પાડ્યો હતો.
ધરપકડ બાદ આરોપીને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયા, પીએસઆઈ આર.બી. ઠાકોર, હેડ કોન્સ્ટેબલ નીતેશભાઈ છૈયા, હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકપરી ગોસાઈ, ગોપાલસિંહ જાડેજા તથા રાહુલભાઈ ઠાકુરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

