(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
Jamnagar શહેરમાં જૂની અદાવતના ખારને લઈ એક યુવક પર જાહેર માર્ગ પર ચાલતી રિક્ષામાંથી ધારીયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના ગળાના આગળ અને પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદી શહેઝાદભાઈ સલીમભાઈ મકરાણી (ઉં.વ. ૩૪), રહે. કિશાન ચોક નજીક મકરાણી કબ્રસ્તાન ગેટ પાસે, જામનગર, વાહન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૨૦ જૂન ૨૦૨૬ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યે તેઓ પોતાના મિત્ર નઈમ યુસુફભાઈ બ્લોચ સાથે મોટરસાયકલ પર પવનચક્કી વિસ્તારથી પોતાના ઘરે જઈ રહ્યા હતા.
તે દરમિયાન હર્ષદ મિલની ચાલી પાસે રજવાડી હોટલ સામે પહોંચતા પાછળથી આવેલી એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી. રિક્ષાની પાછળની સીટમાં બેઠેલા કામીલ જાનમામદ બ્લોચ (રહે. ટીટોડીવાડી, જામનગર)ના હાથમાં લોખંડનું ધારીયું હતું. આરોપીએ ચાલતી રિક્ષામાંથી જ ફરિયાદીના ગળાના આગળના ભાગે ધારીયાનો ઘા ઝીંક્યો હતો. હુમલાથી ફરિયાદીએ મોટરસાયકલની ગતિ ધીમી કરી દેતા રિક્ષા પણ ધીમી પડી હતી.
આ દરમિયાન કામીલ બ્લોચ રિક્ષામાંથી નીચે ઉતરી આવ્યો હતો અને ધારીયાનો બીજો ઘા ફરિયાદીના ગરદનના પાછળના ભાગે માર્યો હતો. હુમલાના કારણે પાછળ બેઠેલા મિત્ર નઈમ નીચે પડી ગયા હતા. ત્યારબાદ આરોપીએ ફરી એક વખત ધારીયાનો ઘા મારી ફરિયાદીના ડાબા ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી.
ફરિયાદ અનુસાર આરોપી કામીલ બ્લોચે ગાળો આપી ‘‘આજે તને જાનથી મારી નાખવો છે’’ તેવી ખુલ્લી ધમકી આપી હતી અને ફરિયાદીની પાછળ દોડ્યો હતો. બીજી તરફ રિક્ષા ચાલકે પણ રિક્ષામાંથી બીજું લોખંડનું ધારીયું કાઢી મિત્ર નઈમની પાછળ દોડ લગાવી હતી. જોકે કામીલે તેને નઈમને નહીં પરંતુ શહેઝાદને મારવાનું હોવાનું જણાવ્યું હતું.
જીવ બચાવવા ફરિયાદી ત્યાંથી મોટરસાયકલ લઈને નીલકંઠનગર સોસાયટી તરફ ભાગી ગયા હતા. ગળા અને ગરદનમાંથી ભારે રક્તસ્ત્રાવ થતાં સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ તેમને જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ ગળાના આગળના ભાગે અંદાજે પાંચ ટાંકા અને પાછળના ભાગે ચાર ટાંકા લીધા હતા. ઉપરાંત ડાબા ખભા અને જમણા ખભાના પાછળના ભાગે છરકાની ઇજાઓ હોવાનું નોંધાયું હતું. સમગ્ર મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

