(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૨
Jamnagar જિલ્લાના ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામે ખેતીના નવા વીજ કનેક્શનના મીટરને લઈને થયેલા વિવાદમાં એક વૃદ્ધ ખેડૂત પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પીપરટોડા ગામના હરજીભાઈ ઉર્ફે હરખાભાઈ ભગવાનજીભાઈ ગડારા (ઉંમર ૬૨) ખેતીનો વ્યવસાય કરે છે. ગત તા. ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ બપોરે આશરે સાડા બાર વાગ્યાના સમયે તેઓ ગામના પાદરમાં બેઠા હતા ત્યારે ખેંગારકા ગામના હસમુખભાઈ પરસોત્તમભાઈ ગડારા હાથમાં લાકડાનો ધોકો લઈને ત્યાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ હસમુખભાઈએ પોતાની ખેતીની જમીનમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા આપવામાં આવનાર નવા વીજ કનેક્શનના મીટરને હરજીભાઈએ અટકાવ્યું હોવાનું કહી તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી. હરજીભાઈએ પોતે મીટર બાબતે કોઈ જાણકારી ન હોવાનું જણાવતા હસમુખભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા.
આ દરમિયાન આરોપીએ પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકાથી હરજીભાઈના ડાબા પગના ભાગે ફટકો મારી ઇજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાના સમયે ગામના અંકિતભાઈ રમેશભાઈ ત્યાં પહોંચી જતા બંનેને અલગ પાડ્યા હતા, જેના કારણે વધુ અનિચ્છનીય બનાવ ટળ્યો હતો. બાદમાં આરોપી સ્થળ પરથી ચાલ્યો ગયો હતો.
હુમલામાં પગમાં ઇજા થતાં હરજીભાઈએ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યારબાદ ધ્રોલ પોલીસ મથકે પહોંચી આરોપી હસમુખભાઈ પરસોત્તમભાઈ ગડારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગરના હથિયારબંધી સંબંધિત જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

