Ahmedabad, તા.08
ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં બાળકની કસ્ટડી અને મુલાકાતના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે બાળકના સર્વાંગી વિકાસ અને સ્વસ્થ ઉછેર માટે માતા અને પિતા બંનેનો પ્રેમ અને સાથ અનિવાર્ય છે.
હાઈકોર્ટે નીચલી અદાલતના તે આદેશને રદબાતલ ઠેરવ્યો છે જેમાં પિતાને પોતાના 12 વર્ષીય પુત્ર ને મળવા કે તેની વચગાળાની કસ્ટડી મેળવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
આ કેસની વિગતો મુજબ, વર્ષ 2012 માં લગ્નગ્રંથિથી જોડાયેલા દંપતી વચ્ચે અણબનાવ થતા તેઓ અલગ રહેતા હતા. પિતાએ `ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ’ ની કલમ 12 હેઠળ બાળકક્ષશ વચગાળાની કસ્ટડી અને મુલાકાતના અધિકાર મેળવવા અરજી કરી હતી.
અગાઉ વલસાડની સેશન્સ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, જેની સામે પિતાએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જસ્ટિસ એ.વાય. કોગ્જે અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરતા નોંધ્યું હતું કે જોકે માતા કુદરતી વાલી હોવાથી તેને પ્રાથમિકતા મળે છે, પરંતુ કસ્ટડીના વિવાદમાં સૌથી મહત્વનું પાસું `બાળકનું કલ્યાણ’ (Welfare of the Child) છે.
અદાલતે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો આપતા જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચેના આંતરિક સંઘર્ષને કારણે બાળકને પિતૃપ્રેમથી વંચિત રાખી શકાય નહીં. આધુનિક સમયમાં ‘શેર્ડ પેરેન્ટિંગ’ (Shared Parenting) નો ખ્યાલ બાળકના હિતમાં હોવાનું કોર્ટે સ્વીકાર્યું છે. હાઈકોર્ટે નોંધ્યું કે ઉનાળુ વેકેશન નજીક આવી રહ્યું છે અને બાળકની દાદી સુરતમાં બીમાર હોવાથી પિતાને બાળકની કસ્ટડી આપવી ઉચિત છે.
ચુકાદાના અંતે હાઈકોર્ટે માતાને આદેશ આપ્યો છે કે તે 15 દિવસ માટે પુત્ર ની વચગાળાની કસ્ટડી પિતાને સોંપે જેથી તે સુરતમાં રહેતા બીમાર દાદીની મુલાકાત લઈ શકે. આ ઉપરાંત, પિતાને દર બે મહિને એકવાર વીકએન્ડમાં બાળકને મળવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
સાથોસાથ પિતાએ બાળકના ભરણપોષણ અને શિક્ષણના ખર્ચની જવાબદારી નિભાવવાની ખાતરી પણ અદાલત સમક્ષ આપી છે. હાઈકોર્ટના આ નિર્ણયથી એ વાત ફરી સ્થાપિત થઈ છે કે કાયદો બાળકના અધિકારો અને તેના માનસિક સ્વાસ્થ્યને સર્વોપરી રાખે છે.

