Ahmedabad,તા.6
ઈડરમાં એક વિચિત્ર પ્રકારની ઘટના બહાર આવી હતી. અહીંના લાલોડા ગામમાં એક માલધારીની ભેંસને સાતેક દિવસ પહેલા એક હડકાયેલો શ્વાન કરડ્યો હતો. આ શ્વાનના કરડ્યા બાદ ભેંસને પણ હડકવા ઉપડ્યો અને ગુરુવારે તેનું મોત થયું હતું.
ભેંસના મોતની ખબર બાદ ભેંસનું દૂધ જેમણે પીધું હોય તેવા લોકોમાં ફફડાટ ઉપડ્યો હતો અને તેમણે ઈડરની સિવિલ હોસ્પિટલમાં લાઈન લગાવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
આ માલધારીના પરિવાર અને આસપાસના લગભગ 20 જેટલા લોકોએ આ દિવસ દરમિયાન ભેંસનું દૂધ પીધું હતું, તેથી તેમને પણ હડકવા ઉપડવાનો ડર લાગ્યો હતો અને તેમણે હોસ્પિટલમાં જઈ હડકવાવિરોધી રસી લેવા દોડ્યા હતા.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈમરજન્સી વિભાગમાં લાલોડા ગામના લગભગ 20 આસપાસ લોકો આવ્યા હતા. તેમનો ડર દૂર થાય અને તેમને કંઈ ન થાય તે માટે સાવચેતીના ભાગરૂપે હડકવાવિરોધી રસી મૂકી આપવામાં આવી હતી. આ સિવાય તેમણે અન્ય કોઈ સારવારની જરૂર જણાઈ ન હતી.

