Ahmedabad, તા.17
અમદાવાદ શહેરમાં રોડ પર થતા આડેધડ પાર્કિંગ અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાને હલ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી શહેરના કોઈપણ ધંધાકીય કે કોમર્શિયલ એકમોમાં પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ હોવા છતાં જો બહારના વાહનચાલકોને પાર્કિંગ માટે ના પાડવામાં આવશે, તો તેવા એકમોને સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અનેક કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યા ખાલી હોવા છતાં બહારના વાહનચાલકોને ત્યાં વાહન મૂકવા દેવામાં આવતા નથી. જે કારણે વાહનચાલકોને રોડ સાઈડ પર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે.
કોમર્શિયલ એકમોએ હવે બહારના વાહનચાલકોને પણ પાર્કિંગની સુવિધા પૂરી પાડવી પડશે. અખઈ અને પોલીસની ટીમો સંયુક્ત રીતે કોમર્શિયલ પ્રિમાઈસીસમાં ચેકિંગ હાથ ધરશે. જગ્યા હોવા છતાં પાર્કિંગનો ઇનકાર કરનાર બિલ્ડિંગ કે એકમને સીલ કરવામાં આવશે.
દરમ્યાન શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની આસપાસના ટ્રાફિક અને દબાણોને દૂર કરવા માટે પણ મોટું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરની આસપાસના તમામ ગેરકાયદે દબાણો પોલીસની મદદથી દૂર કરવામાં આવશે. તેમજ સમગ્ર વિસ્તારને ભદ્ર પ્લાઝાની જેમ આધુનિક રીતે ડેવલપ (વિકસિત) કરવામાં આવશે.
અમદાવાદના રસ્તાઓને ટ્રાફિકમુક્ત કરવા માટે કોર્પોરેશન અન્ય વ્યૂહાત્મક પગલાં પણ ભરી રહ્યું છે. પ્રહલાદનગર અને સિંધુ ભવન રોડ પર બનેલા મલ્ટીલેવલ પાર્કિંગનો શહેરીજનો વધુ ઉપયોગ કરે તેવા પ્રયાસો હાથ ધરાશે.
બ્યુટિફિકેશન: પાંજરાપોળ અને ઇન્કમટેક્સ જેવા શહેરના 100 જેટલા મહત્વના ટ્રાફિક જંક્શનોનું બ્યુટિફિકેશન કરી તેમને નવા લુક સાથે ડેવલપ કરવામાં આવશે.

