New Delhi, તા.24
કેન્દ્રની મોદી સરકારમાંથી સંસદના સભ્ય નહી રહેલા અને અન્ય જવાબદારી બજાવતા મંત્રીઓના રાજીનામાનો દૌર શરુ થઈ ગયો છે અને ગઈકાલે જ કેન્દ્રીય મંત્રી જયોર્જ કુરીયને રાજીનામુ આપ્યુ. હજુ બે મંત્રીઓ પણ રાજીનામા આપશે તે સાથે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રીજી ટર્મમાં હવે મંત્રીમંડળમાં કેવા ફેરફાર કરવા જઈ રહ્યા છે તેના પર નજર છે.
ખાસ કરીને પાંચ રાજયોની વિધાનસભા ચુંટણી પછી જે રીતે વિપક્ષમાં ભંગાણ પડયું છે તેમાં એનડીએ સાથે જોડાયેલા બાગી જૂથોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી ચર્ચા છે. શ્રી મોદી તા.6થી11 જુલાઈ સુધી વિદેશ પ્રવાસે છે અને જુલાઈ માસના ત્રીજા સપ્તાહ પછી સંસદનું ચોમાસુ સત્ર શરુ થનાર છે.
તે પુર્વે મંત્રીમંડળની પુનઃરચના થઈ જશે તેમ માનવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં અલગ પડેલા તૃણમુલ કોંગ્રેસના 20 સાંસદો ઉપરાંત હાલમાં જ શિવસેના-શિંદે જૂથમાં ભળેલા છ સાંસદો અને અગાઉ રાજયસભામાં આમ આદમી પાર્ટીના જે છ સાંસદો ભાજપમાં ભળ્યા છે આ તમામમાંથી કોને મંત્રીમંડળમાં તક મળશે તે પ્રશ્ન છે.
તૃણમુલ કોંગ્રેસના બાગીઓના 20 સાંસદો છે. આમ તે સંસદમાં ભાજપ બાદ બીજા નંબરનો સૌથી મોટો સાથી પક્ષ બની ગયો છે તો શિવસેના-શિંદે જૂથના સાત ઉપરાંત નવા છ સાંસદો જૂથમાં ભળતા તેના 13 સભ્યો થઈ જશે. આમ આદમી પાર્ટીના છ છે.
આ તમામ માટે મંત્રીમંડળમાં કેવું સ્થાન હશે તેના પર નજર છે તો સરકારની સાથે રહેલા તૃણમુલ કોંગ્રેસ અને જનતાદળ યુના એક એક કેબીનેટ અને રાજયમંત્રી છે. તેઓ પણ વધુ જગ્યા માંગશે તે પણ સંકેત છે.
હજુ ચર્ચા એવી છે કે, શરદ પવાર જૂથના સાંસદો પણ એનડીએમાં જોડાઈ શકે છે. આમ મંત્રીમંડળમાં દાવેદારો વધી જશે. ભાજપ જે રીતે લોકસભા અને રાજયસભામાં બે તૃતીયાંશ બહુમતીથી અનેક ખરડાઓ પસાર કરાવવા માંગે છે.
તેથી આ તમામને સાચવવા જરૂરી છે. જયારે ભાજપમાં પણ બહારથી આવનારા મંત્રી બની ગયા અને પક્ષના સાંસદો રહી જાય તે પણ ચર્ચા છે. આથી સરકારનું કામ અઘરુ હશે તે નિશ્ચિત છે.
આ ઉપરાંત રાજયસભામાં નવા ચુંટાયેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ સહિતના અનેક નામ પણ મંત્રીમંડળમાં સમાવવા માટે ફેવરીટ છે. કુલ ત્રણ મંત્રીઓની જગ્યા ખાલી થશે.
નવેમ્બરમાં કેન્દ્રીય મંત્રી હરદીપપુરી અને રાજયમંત્રી બી.એલ.વર્માનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે જયાં ફેબ્રુઆરી માસમાં રાજયસભાની ચુંટણી આવશે તેથી તેઓને કઈ રીતે સંસદમાં સ્થાન આપવું તે પણ ચર્ચા થશે. આમ વડાપ્રધાન માટે મંત્રીમંડળની પુનઃરચના એક પડકાર હશે.

