New Delhi, તા. 21
કીમોથેરાપી કેન્સરની સારવારનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ તેની એક મોટી સમસ્યા છે. તે કેન્સર કોષોની સાથે શરીરનાં સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે. આ જ કારણે દર્દીઓમાં વાળ ખરવા, નબળાઈ અને ઉલટી જેવા અનેક સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે.
હવે ભારતીય વૈજ્ઞાનિકોએ એક એવી સ્માર્ટ દવા વિકસાવી છે, જે કેન્સર સેલ્સની અંદર પહોંચ્યા પછી જ સક્રિય થાય છે. તે સામાન્ય કોષો પર ઓછી અસર કરે છે. દવાનું ટ્રાયલ સફળ રહ્યું તો કીમોથેરાપીમાંથી મુક્તિ મળી શકે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી (IASST) અને IIT ગુવાહાટીના વૈજ્ઞાનિકોએ છઊં-251 નામની સ્માર્ટ કેન્સર દવા વિકસાવી છે. કેન્સર કોષોની અંદર અમુક ચોક્કસ પ્રકારનાં હાનિકારક મોલિક્યુલ્સ સામાન્ય કોષોની સરખામણીએ વધુ હોય છે.
RK-251 દવા આ જ ખાસિયતનો ફાયદો ઉઠાવે છે. દવા કેન્સર કોષની અંદર પહોંચે છે, ત્યારે ત્યાં રહેલાં મોલિક્યુલ્સ તેને સક્રિય કરી દે છે. સક્રિય થતાં જ દવામાંથી કેન્સર સામે લડનારો એક શક્તિશાળી પદાર્થ નીકળે છે.
આ પદાર્થ કેન્સર સેલ્સના એ પ્રોટીનને રોકે છે, જે તેમને જીવંત રાખવામાં અને સારવારની અસરથી બચવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકોએ ઝેબ્રાફિશના ભ્રૂણ પર દવાનું પરીક્ષણ કર્યું છે. આ સંશોધનનું નેતૃત્વ IASSTના ડો. અસીસ બાલા અને IIT ગુવાહાટીના ડો. કે.પી. ભાબકે કર્યું હતું.
બ્રેસ્ટ કેન્સર પર દવાની મજબૂત અસર જોવા મળી
શરૂઆતી પ્રી-ક્લિનિકલ સ્ટડીમાં RK-251 એ આક્રમક ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર કોષો સામે મજબૂત અસર દર્શાવી છે. જ્યારે સ્વસ્થ કોષો પર તેની અસર ઘણી ઓછી જોવા મળી હતી.
આ પરિણામ એટલાં માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર પ્રમાણમાં પડકારજનક માનવામાં આવે છે અને તેમાં લક્ષિત ઉપચારના વિકલ્પો સીમિત છે. જોકે, હજુ માણસો માટે આ દવાના ઘણાં તબક્કાના અભ્યાસ અને ટ્રાયલ બાકી છે.

