Ahmedabad,તા.૧૯
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શીલજ-થલતેજ રોડ પર ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ ઝડપી ગતિએ આવી રહેલી કિયા કારના ચાલકે એક પછી એક કુલ ૯ વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ તરફ હવે એક ચર્ચા એવી છે કે, ચાલક નશામાં ધૂત હતો.
વિગતો મુજબ જીજે ૧૮ બીપી ૦૯૯૦ નંબરની કિયા કારના ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પર ઉભેલા તથા પસાર થતા અનેક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ તરફ સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો કે કારચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અકસ્માતમાં કેટલાક લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. હાલ પોલીસ દ્વારા કારચાલક નશામાં હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ એસ.જી. હાઈવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક આજે સવારે એક એએમટીએસ બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બસમાં મુસાફરો હાજર હતા, પરંતુ ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતા કારણે મોટી દુર્ઘટના ટળી હતી. એએમટીએસ રૂટ નંબર ૫૦૧ની બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જઈ રહી હતી. સોલા ભાગવત ચાર રસ્તા નજીક પહોંચતાં જ બસના આગળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. ડ્રાઈવરે તરત જ પરિસ્થિતિ સમજી બસને રસ્તાની બાજુમાં ઉભી રાખી અને મુસાફરોને શાંતિથી પાછળના દરવાજેથી ઉતરવા કહ્યું. મુસાફરો ઝડપથી બસમાંથી બહાર નીકળી ગયા હોવાથી કોઈને ઈજા પહોંચી નથી. ત્યારબાદ બસના એન્જિન ભાગમાં આગ ભડકી ઉઠી હતી. કંડક્ટરે તાત્કાલિક ઇમરજન્સી ૧૧૨ પર ફોન કરી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
રવિવારની વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી બ્રિજ ઓર એક ફોર્ચ્યુનર કાર અને એસટી બસ વચ્ચે ભારે ટક્કર થઈ હતી અને આ ટક્કરમાં ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ૧ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે અને ૩ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. માહિતી મુજબ જે ફોર્ચ્યુનર કારણો કચ્ચરઘાણ વળી ગયો છે અને હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટીની બસ સાથે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાને લીધે વહેલી સવારથી જ વૈષ્ણોદેવી બ્રિજ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

