Rome,તા.11
સીસીલીના પૂર્વ છેડે આવેલો જ્વાળામુખી માઉન્ટ એટના સોમવારે સવારે ફાટતા તેમાંથી ઉડેલા ધૂમાડા અને રાખના ગોટાને લીધે પાસેનું કેટાનિયા એરપોર્ટ બંધ કરવું પડયું હતું. કારણ કે, ત્યાં આવતી અને જતી ફ્લાઇટ્સ જોખમી બની રહી હતી.
ઇટાલીના વિશાળ ટાપુ સીસીલીના પૂર્વ સમુદ્ર તટે રહેલો આ જ્વાળામુખી દુનિયાના સૌથી વધુ એક્ટિવ જ્વાળામુખીઓ પૈકીનો એક છે. તે ફાટતા પાસેનાં કેટાનિયા શહેર સ્થિત એરપોર્ટ બંધ કરવું પડયું હતું. આ એરપોર્ટ આઇલેન્ડનું મૂળ એરપોર્ટ છે અને તે ઇટલીના બીઝીએસ્ટ તેવા પાંચ એરપોર્ટસ પૈકીનું એક છે.
આ ઘટના બની (જ્વાળામુખીમાંથી રાખ ઉડવા લાગી) કે તુર્ત જ સત્તાવાળાઓએ બચાવ કાર્ય માટે તૈયારીઓ શરૂ કરી દીધી કારણ કે જ્વાળામુખી ફાટતા લાવારસ વહેવાની પૂરી શક્યતા હોય છે. તેવે સમયે એરપોર્ટ પર આવી પહોંચેલા પેસેન્જર્સને પણ એરપોર્ટથી ઘરે પરત ફરવા જણાવી દેવાયું હતું. કારણ કે, એરપોર્ટ જ્વાળામુખીની નજીક જ છે જો જ્વાળામુખી ફાટે તો તેમાંથી વહેતો લાવારસ એરપોર્ટ તરફ પણ ધસી શકે. જો કે, તેવું બન્યું ન હતું. પરંતુ સાવચેતીના પગલારૂપે એરપોર્ટ ઓથોરીટીએ પેસેન્જરોને પરત રવાના કરી દીધા હતા.
સરકારી સાધનો જણાવે છે કે, સરકાર અત્યારે પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. આ ૯,૦૨૨ ફીટ ઉંચો જ્વાળામુખી ફાટે તો બચાવ કાર્યની પણ તૈયારી શરૂ કરી દીધી છે.

