Ahmedabad,તા.૭
આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. જેને પગલે હવે તેઓ વિધાનસભા સત્રમાં હાજરી આપી શકશે. ચેતર વસાવાએ ચોમાસુ સત્રમાં હાજર રહેવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખતા હાઈકોર્ટે ૭ દિવસના શરતી જામીન મંજૂર કર્યા છે.
નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદભે આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૧, ૧૪૯, ૧૮૬, ૨૯૪, ૩૫૩, ૩૮૬ અને આર્મ્સ એકટની કલમ ૨૫ વગેરે મુજબ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં નર્મદાની કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ ૯ આરોપીને ૭ વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યાર બાદ ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આમ ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ છે.
૨૪ ઓગસ્ટના રોજ હાઈકોર્ટે ચૈતર વસવાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તે વખતે એવું કહ્યું હતું કે અગાઉ જામીન શરતોન નિયમોનો ભંગ ન કરવાની શરતે છોડ્યા હતા, છતાં ગુનામાં સંડોવાયા. લોકોમા એવી ગેરસમજ ઊભી થાય છે કે સત્તામાં હોય તેવા લોકો છૂટી જાય છે.
જંગલમાં કેટલીક જગ્યા પર ગામડામાં રહેતા લોકોએ કપાસની વાવણી કરી હતી. જે જંગલના અધિકારીઓએ ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં વનવિભાગના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને ૬૦ હજારનું વળતર માગ્યું હતું. ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ચૈતર વસાવાએ પોતાના ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું, બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી છ્સ્ દ્વારા રકમ ઉપાડીને ખેડૂતોને ચૂકવી આપી હતી.
આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત કેટલાક દોષિતોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ હાઈકોર્ટે ૨૨ જુલાઈ, ૨૦૨૬ શંકુતલા વસાવા સહિત ૫ દોષિતને જામીન આપ્યા હતાં. આજે પણ આ કેસમાં એક વ્યક્તિને જામીન અપાય છે. હવે ફક્ત આ કેસમાં ૨ વ્યક્તિઓ જ જેલમાં છે. ૭ જણા જામીન પર જેલબહાર આવી ગયા છે.

