દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર ફ્રી વિસ્તારમાં પરીક્ષણ કરીને ચીને ૪૦ વર્ષ જૂના કરારનો ભંગ કર્યો
China, તા.૭
ચીને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તેની સામે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને જાપાને ઉગ્ર વિરોધ નોંધાવીને ચીનની આ હરકતને ઉશ્કેરણીજનક ગણાવી હતી. જોકે, ચીનની સરકારે તેને વાર્ષિક લશ્કરી કવાયતના ભાગરૂપે થયેલું પરીક્ષણ ગણાવ્યું હતું અને એમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. એક ડમી નિશાનને સફળતાથી તોડી પાડવામાં આવ્યું હતું એવું ચીનની નેવીએ સત્તાવાર નિવેદન આપ્યું હતું.ચીનના સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ન્યૂક્લિયર સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ છોડીને પરીક્ષણ કરાયું હતું. નક્કી કરેલા લક્ષ્ય પર રાખવામાં આવેલા ડમી નિશાનને ભેદીને પરીક્ષણ પૂરું કરાયું હતું. જોકે, ચીને મિસાઈલ અને તેની રેન્જ વિશે જાણકારી આપી ન હતી. આ પરીક્ષણ આંતરરાષ્ટ્રીય કાયદામાં રહીને કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું.જોકે, પરીક્ષણો થયા પછી તરત જ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે વિરોધ નોંધાવ્યો હતો અને ચીને ૪૦ વર્ષ જૂના ૧૯૮૬ના કરારનો ભંગ કર્યો હોવાનું કહ્યું હતું. ન્યૂઝીલેન્ડની સરકારે પણ આને અયોગ્ય ગણાવતા કહ્યું હતું કે ચીને કલાકો પહેલાં જ ન્યૂઝીલેન્ડને જાણકારી આપી હતી કે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવું કોઈ પરીક્ષણ થવાનું છે. એની કલાકોમાં તો પરીક્ષણ કરી દીધું છે. ચીને જ્યાં પરીક્ષણ કર્યું તે વિસ્તાર ન્યૂક્લિયર ફ્રી વિસ્તાર છે અને એમાં સંધિ પ્રમાણે પરીક્ષણો કરી શકાય નહીં. ન્યૂઝીલેન્ડે કહ્યું હતું કે આ વિસ્તારમાં મિસાઈલ પરીક્ષણ પ્રતિબંધિત છે. સંધિમાં જોડાયેલા દેશો આ વિસ્તારમાં પરીક્ષણો કરતા નથી.ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા દક્ષિણ પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં આવેલા દેશો છે. આ બંને દેશો ઘણાં સમયથી ચીનની વધતી લશ્કરી ગતિવિધિ અંગે ચિંતા વ્યક્ત કરે છે. આ બે દેશો ઉપરાંત જાપાને પણ ચીનના આ પરીક્ષણ સામે વિરોધ કર્યો હતો. જાપાને કહ્યું હતું કે ચીને આ પરીક્ષણ પહેલાં નોટિફિકેશન આપ્યું હતું, પરંતુ એનો કોઈ જવાબ આપવામાં આવે તે પહેલાં તો પરીક્ષણ થયાની જાણકારી સામે આવી હતી. જાપાને તેને ઉશ્કેરણીજનક અને આખા વિસ્તારની શાંતિ માટે જોખમી ગણાવીને ટીકા કરી હતી.

