Surendranagar , તા.29
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા ભૃગપુર ગામનો ચેક ડેમ સતત વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં ચેક ડેમ છલકાઈ ગયો છે.
ચેક ડેમ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ દૃશ્ય જોવા પહોંચી રહ્યા છે. યુવાનો અને પ્રવાસીઓ ચેક ડેમ પાસે સેલ્ફી અને વીડિયો બનાવવા માટે ઉમટી રહ્યા છે. ઓવરફ્લોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.
જોકે, પાણીના તેજ પ્રવાહ અને ભીના કિનારાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને ચેક ડેમના ઓવરફ્લો વિસ્તારની નજીક ન જવા અને પાણીના પ્રવાહથી સુરક્ષિત અંતર જાળવવાની સૂચના અપાઈ છે.
સ્થાનિક તંત્રએ જણાવ્યું છે કે વરસાદી માહોલમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે લોકો સતર્ક રહે અને જોખમી સ્થળોએ જવાનું ટાળે. ભૃગપુર ચેક ડેમના આ દૃશ્યો હાલમાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યા છે.

