New Delhi,તા.01
ઈરાન યુદ્ધના કારણે ઈંધણના ભાવમાં ગત ફેબ્રુઆરી માસથી શરૂ થયેલા વધારામાં હવે રાહતનો દૌર શરૂ થયો છે તથા વૈશ્વિક રીતે ક્રુડતેલ-ગેસ સસ્તા થવા લાગતા તથા હોર્મુઝ જળમાર્ગ પણ ખુલી જતા સપ્લાય પણ ઝડપી બની છે. તેમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ આજથી કોમર્શિયલ એલપીજી-19 કિલોના સિલીન્ડરના ભાવમાં રૂા.183.50નો ઘટાડો કરતા નાના માર્ગ પરના ખાદ્ય સ્ટોલથી હોટેલ-રેસ્ટોરા વિ.ને મોટી રાહત થશે.
તેની સાથે સરકારે ખાસ કરીને ગરીબો તથા કામદારો જેમનો ઉપયોગ કરે છે તે છોટુ પાંચ કિલોના ભાવમાં રૂા.13નો ઘટાડો કર્યો છે. જેને કારણે આ સિલીન્ડરની કિંમત રૂા.821.50માંથી ઘટીને 808.50 થઈ છે. જો કે આ સિવાય ઘરેલુ વપરાશના 14.2 કિલોના સિલીન્ડરના ભાવ યથાવત રહ્યા છે. 19 કિલોના સિલીન્ડર દિલ્હીમાં હવે 183.50 સસ્તો થતા નવા ભાવ 2930 થયો છે.
જે અગાઉ 3113.50 હતા તથા દેશમાં તેના અલગ અલગ ભાવ ઘટાડા લાગુ થશે. કોલકતામાં રૂા.174નો ઘટાડો થશે. એ ઉલ્લેખનીય છે કે આ વર્ષે 2026માં પ્રથમ વખત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટયા છે. તા.1 માર્ચથી અત્યાર સુધીમાં કુલ 4 વખત ભાવ વધારાયા હતા જેમાં મે માસમાં એક સાથે રૂા.993 મોંઘો બનાવાયો હતો. જેમાં એકંદરે રૂા.1300 જેવો ભાવવધારો આ વર્ષમાં થયો છે પણ હવે રાહતનો તબકકો શરૂ થયો છે.
સરકાર દર માસની તા.1ના રોજ ગેસના ભાવની સમીક્ષા કરે છે અને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ મુજબ ભાવમાં વધઘટ કરે છે. બીજી તરફ ક્રુડતેલ સસ્તુ થતા હવે નિકાસ માટેના ઈંધણ પરની ડયુટીમાં પણ વધારો ઘટાડો થયો છે.
જેમાં પેટ્રોલ પરનો વિંડફોલ ટેક્ષ (એકસાઈઝ ડયુટી) પ્રતિલીટર રૂા.1.50 માંથી વધારી રૂા.4 કરી છે તો વિમાની ઈંધણ તથા ડિઝલ પરનો વિંડફોલ ટેક્ષ ઘટાડયા છે. જેમાં નોટીફીકેશન મુજબ ડિઝલ પરનો નિકાસ ટેક્ષ રૂા.14માંથી ઘટાડી રૂા.8.50 કરી છે તો એટીએફ વિમાની ઈંધણ પરનો નિકાસ ટેક્ષ રૂા.12.50 પ્રતિ લીટરથી ઘટાડી રૂા.7.50 કર્યો છે.
જેની નિકાસ મોરચે રાહત થશે. જો કે ભારતમાં આ વધારા-ઘટાડાની કોઈ અસર થશે નહી પણ નિકાસ સસ્તી કરી છે. જેથી વધુ નિકાસ વધુ વિદેશી હુંડીયામણ કમાણી અને સ્પર્ધાત્મક બજારમાં ભારતનું સ્થાન મજબૂત થશે.

