Uttar Pradesh, તા.1
આજે વહેલી સવારે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર થયેલા એક દુઃખદ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝડપી ગતિએ આવતી પેસેન્જર બસે કાબુ ગુમાવ્યો અને તે પલટી જતા તે એક કાર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના મોત થયા. બસમાં સવાર તમામ મુસાફરો અને કારમાં રહેલા અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બસ હરિયાણાના ફરીદાબાદથી બિહાર જઈ રહી હતી. જ્યારે બસ ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ એક્સપ્રેસ વે પર પહોંચી ત્યારે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ, જેના કારણે બસે કાબુ ગુમાવ્યો અને રસ્તા પરથી ઉતરી ગઈ.
તે સામેથી આવતી કારને ટક્કર મારીને ખાડામાં પલટી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. કાર કુશીનગરથી મથુરા જઈ રહી હતી. ઘાયલોને બાંગરમાઉના સીએચસીમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાંથી તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કર્યા અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી.જિલ્લા મેજિસ્ટ્રેટ ઘનશ્યામ મીણાએ જણાવ્યું હતું કે, “બુધવારે સવારે લગભગ 4ઃ30 વાગ્યે, ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ અને બસે કાબુ ગુમાવ્યો, ડિવાઇડર તોડીને બીજી બાજુ ખાબકી ગઈ. વિરુદ્ધ દિશામાંથી આવતી એક અર્ટિગા કાર પણ બસ સાથે અથડાઈ હતી.
બસમાં નવ લોકો સવાર હતા, જેમાંથી પાંચના મોત થયા હતા. બાકીના ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.”મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે.
તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને મૃતકોના પરિવારો સાથે વાત કરવા અને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો નિર્દેશ પણ આપ્યો છે.

