New Delhi,તા.21
કિંમતી ધાતુઓ જેમ કે સોનું અને ચાંદીની કિંમતોમાં છેલ્લાં એક વર્ષમાં જબરદસ્ત વધારો થયો છે અને રિટર્નના મામલે તે રોકાણકારોની પહેલી પસંદ બની છે. આ તેજીમાં દબે પગલે ઇન્ડસ્ટ્રીયલ મેટલ જેમ કે કોપર અને એલ્યુમિનિયમમાં પણ એવો ઉછાળો આવ્યો છે કે હવે રોકાણકારો છેલ્લાં એક મહિનામાં જ લગભગ 55 ટકા સુધી ચઢેલા હિન્દુસ્તાન કોપર જેવી મેટલ સ્ટોક્સ તરફ ધ્યાન ખેંચી રહ્યાં છે.
ARSSBLના નવીન માથુર જણાવે છે કે COMEXમાં કોપરનો સ્ટોક ઝડપથી વધી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ભાવ ઘટે ત્યારે ખરીદીમાં તેજી આવશે અને આવનારાં મહિનાઓમાં કોપરની કિંમતો 14,000 ડોલર પ્રતિ ટન સુધી જઈ શકે છે.
સોનામાં 74 ટકા અને ચાંદીમાં 167 ટકા વધારાનાં બાદ હવે તેજીનું માહોલ ઇન્ડસ્ટ્રીયલ મેટલ કોપરમાં જોવા મળી રહ્યું છે. છેલ્લાં એક વર્ષથી મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે કોમોડિટીની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે.
1 જાન્યુઆરીએ કોપરની કિંમત 62.83 ટકા વધીને 1,292.50 રૂપિયા થઈ હતી, જ્યારે એક વર્ષ પહેલા તે 793.85 રૂપિયા હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MCX) પર કોપર એક વર્ષમાં 796 રૂપિયાથી વધીને 1,197 રૂપિયા થયું.
બમ્પર રિટર્ન છતાં ભારતમાં કોપર અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં રોકાણના વિકલ્પો મર્યાદિત હોવાથી રિટેલ રોકાણકારો માટે આ તક થોડીઘણી ચૂકી ગઈ. જોકે જાણકારો કહે છે કે આવનારા સમયમાં મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને કારણે કોમોડિટી કિંમતોમાં વધુ ઉછાળો આવી શકે છે.
કોપરની કિંમતો એટલી કેમ વધી રહી છે?
કોમોડિટી નિષ્ણાત અને કેડિયા કેપિટલ સર્વિસિસના પ્રમુખ અજય કેડિયા અનુસાર, ગ્લોબલ સપ્લાય અંગેની ચિંતાઓને કારણે કોપરની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. કોપર 13,300 ડોલર પ્રતિ ટનથી ઉપરનાં અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું છે. આ વધારાનું મુખ્ય કારણ આ વર્ષે ગ્લોબલ સપ્લાયમાં ઘટ થવાની શક્યતા છે.
ખાણોમાં અવરોધો અને રિફાઇન્ડ કોપરની અછત 2026માં લગભગ 3,30,000 ટન સુધી થવાની શક્યતા છે. અમેરિકા તરફથી ટેરિફની ધમકીઓના કારણે શિપમેન્ટ ફ્રન્ટ-લોડિંગ થઈ રહ્યું છે, જેના કારણે અન્ય જગ્યાએ ઉપલબ્ધતા ઘટી રહી છે.
EV, રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર અને AI જેવા ક્ષેત્રોમાં ડિમાન્ડ ઝડપથી વધી રહી છે, જ્યારે સપ્લાય એ ગતિએ વધી રહી નથી. સપ્લાયની અછત અને સ્ટ્રક્ચરલ ડિમાન્ડના મજબૂત મેળથી લંડન મેટલ એક્સચેન્જ પર કોપરની કિંમત 13,000 ડોલર પ્રતિ મેટ્રિક ટનથી ઉપર પહોંચી ગઈ છે.
ચિલી, પેરુ અને ઇન્ડોનેશિયા જેવા મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં અવરોધો તથા વેનેઝુએલા આસપાસના જોખમોએ ખાણ ઉત્પાદનને મર્યાદિત કર્યું છે, જ્યારે રિફાઇન્ડ કોપરની અછત 2026 સુધી વધવાની શક્યતા છે.
એક મહત્વપૂર્ણ કારણ એ પણ છે કે અમેરિકા દ્વારા કોપરને `ક્રિટિકલ મિનરલ’ જાહેર કરવામાં આવ્યું છે. આ દરજ્જો મળતાં સરકારો સ્ટોક, સુરક્ષા અને સપ્લાય પર વધુ ધ્યાન આપે છે, જેના કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.
હવે કોપર બનશે આગામી રેલીનો હીરો
આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ (ARSSBL)ના ડાયરેક્ટર નવિન માથુર જણાવે છે કે 2025માં કોપરમાં જોવા મળેલી તેજી કોઈ ટૂંકા ગાળાની રેલી નથી, પરંતુ મોટા અને સ્ટ્રક્ચરલ ફેરફારોનું પરિણામ છે. 2025ની શરૂઆતથી લંડન મેટલ એક્સચેન્જ (LME)ના ગોડાઉનમાં રાખેલું કોપર સ્ટોક લગભગ 48 ટકા ઘટ્યું છે. બીજી તરફ ઇલેક્ટ્રિફિકેશન, EV, પાવર ગ્રિડ અને AI ડેટા સેન્ટરમાં માંગ સતત વધી રહી છે.
નવી ખાણો બહુ ઓછી ખુલતી હોવાથી અને જૂના ખાણોમાંથી નીકળતા અયસ્કની ગુણવત્તા ઘટતા બજારમાં સપ્લાય ટાઇટ બની છે. માથુર અનુસાર 2026 સુધી કોપરની સપ્લાયમાં 1 લાખ ટનથી વધુની અછત રહેવાની શક્યતા છે.
એલ્યુમિનિયમ અને ઝીંક
►એલ્યુમિનિયમ ત્રણ વર્ષના ઊંચા સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે, જેના કારણે ગઅકઈઘ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી છે.
► 2 જાન્યુઆરી સુધી LME પર ઝીંક ઇન્વેન્ટરી ઘટીને 1,06,325 ટન રહી.
► શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર ઝીંક ઇન્વેન્ટરીમાં 44.5 ટકા ઘટાડો નોંધાયો.
► UKમાં એલ્યુમિનિયમ ફ્યુચર્સ 3,100 ડોલર પ્રતિ ટનથી ઉપર ગયો
► લંડન મેટલ એક્સચેન્જ પર ઝીંકની કિંમત 3,200 ડોલર પ્રતિ ટનથી ઉપર પહોંચી, જે જાન્યુઆરી 2023 બાદનું સૌથી ઊંચું સ્તર છે.
► ચાંદી, કોપર અને એલ્યુમિનિયમની વધતી કિંમતોને કારણે મેટલ સ્ટોક્સમાં ખરીદી વધી છે.
શેર (માઇનિંગ / મેટલ કંપનીઓ)
આમાં તમે સીધી કમોડિટી નથી ખરીદતા, પરંતુ એવી કંપનીઓના શેર લેવામાં આવે છે જે કોપરની માઇનિંગ કરે છે, એલ્યુમિનિયમ બનાવે છે અથવા સોનું-ચાંદી પ્રોસેસ કરે છે. જેમ કે હિંદુસ્તાન કોપર, NALCO, વેદાંતા અને હિંદુસ્તાન ઝીંક. આમાં ફાયદો એ છે કે ડિવિડેન્ડ મળી શકે છે અને કંપની વધે તો શેરની કિંમત પણ વધે છે, જે લાંબા ગાળે સારી તક આપે છે. પરંતુ અહીં જોખમ કંપનીનાં પ્રદર્શન પર પણ આધાર રાખે છે, ફક્ત કમોડિટીની કિંમત પર નહીં.
નવા રોકાણકારો શું કરે?
◙ જો તમે શરૂઆતનાં રોકાણકાર છો તો MCX ટ્રેડિંગથી શરૂઆત ન કરો.
◙ ETF અથવા કમોડિટી ફંડ વધુ યોગ્ય વિકલ્પ રહેશે.
◙ સારી ગુણવત્તાની મેટલ અથવા માઇનિંગ કંપનીઓના શેર પણ લઈ શકાય છે.
◙ ડીમેટ એકાઉન્ટ હોય તો ETF પસંદ કરો.
◙ 2 વર્ષ નહીં પરંતુ ઓછામાં ઓછા 3થી 5 વર્ષનો રોકાણ લક્ષ્ય રાખો.
◙ એક સાથે બઘા પૈસા ન લગાવી ધીમે-ધીમે SIP જેવી વિચારધારા સાથે રોકાણ કરો.
હાલનાં રોકાણકારો શું કરે?
► અજય કેડિયાના કહેવા મુજબ હાલની પરિસ્થિતિમાં કોપરને હોલ્ડ રાખવું સારી વ્યૂહરચના છે, પરંતુ સાથે રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જરૂરી છે.
► એક સાથે બઘા પૈસા રોકાણમાં ન રાખવા અને સમયાંતરે ભાગે ભાગે નફો બુક કરતા રહેવું.
► હાલ કોપરમાંથી બહાર નીકળવાની કોઈ ખાસ ઉતાવળ દેખાતી નથી.
► આગામી સમયમાં કોપરની માંગ મજબૂત રહેવાની શક્યતા છે અને મધ્યમ ગાળામાં તેનો આઉટલુક પોઝિટિવ છે.
► જો કોપરની કિંમત પ્રતિ મેટ્રિક ટન 13,000 ડોલરથી ઉપર જાય, તો રોકાણકારો થોડું-થોડું કરીને નફો કાઢી શકે છે.
ETF / કમોડિટી ફંડ
જે લોકોને સુરક્ષિત અને સરળ રીત જોઈએ છે, તેમના માટે ETF અને કમોડિટી ફંડ વધુ યોગ્ય વિકલ્પ છે. આમાં તમે સીધી કમોડિટી નથી ખરીદતાં, પરંતુ એક ફંડમાં પૈસા મૂકે છે. તે ફંડ તમારા માટે સોનું, કોપર કે અન્ય મેટલ સંબંધિત એસેટ ખરીદે છે અને તેમાં તમારી ભાગીદારી થાય છે. જેમ કે ગોલ્ડ ETF, સિલ્વર ETF, ગ્લોબલ કમોડિટી ફંડ અને મેટલ અથવા માઇનિંગ ફંડ.
ETFઅને માઇનિંગ ફોકસ્ડ ફંડ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં રોકાણ કરવાની તક પણ મળે છે.
કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ETF અને ફંડ શેરબજારમાં ટ્રેડ થાય છે અને ડીમેટ એકાઉન્ટથી ખરીદ-વેચી શકાય છે.
અસલી મેટલ રાખવાની ઝંઝટ નથી, ચોરી કે મિલાવટનો ડર નથી. નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકાય છે. ટ્રેડિંગની સરખામણીમાં જોખમ થોડું ઓછું હોય છે.
કમોડિટીમાં રોકાણ કેવી રીતે કરવું?
ભારતમાં કમોડિટી ટ્રેડિંગ માટે MCX એટલે કે મલ્ટી કમોડિટી એક્સચેન્જ સૌથી મોટું પ્લેટફોર્મ છે. અહીં સોનું, ચાંદી, કોપર, એલ્યુમિનિયમ, ઝીંક અને ક્રૂડ ઓઇલ જેવી કમોડિટીમાં ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ખરીદ-વેચી શકાય છે. અહીં તમે અસલી સોનું કે તાંબું લેતા નથી, પરંતુ આજની કિંમત નક્કી કરીને ભવિષ્યમાં ખરીદવા કે વેચવાનો કરાર કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જો તમને લાગે કે આજના દિવસે કોપર 800 છે અને આગળ જઈને 900 થશે, તો તમે ખઈડ પર તેનો કોન્ટ્રાક્ટ ખરીદો છો. જો ભાવ વધે તો નફો થાય અને જો ઘટે તો નુકસાન થાય.
કઈ બાબતોનું ધ્યાન રાખવું?
આમાં જોખમ વધારે હોય છે કારણ કે મારજિન આપવું પડે છે અને કિંમતો ઝડપથી વધઘટ થઈ શકે છે. આ રીત રોકાણ કરતાં વધુ ટ્રેડિંગ જેવી છે. આ માત્ર તેઓ માટે યોગ્ય છે જે બજાર સમજે છે, રોજ ભાવ પર નજર રાખી શકે છે અને જોખમ સહન કરી શકે છે.
કમોડિટી શું છે?
કમોડિટી એવી મૂળભૂત વસ્તુઓ હોય છે જેની જરૂર દરેક જગ્યાએ પડે છે અને જેને મોટા પાયે ખરીદ-વેચ કરવામાં આવે છે. જેમ કે ઘઉં, ચોખા, ખાંડ, કોફી, સોનું, ચાંદી, કોપર (તાંબુ), એલ્યુમિનિયમ, ઝીંક, કાચું તેલ (ક્રૂડ ઓઇલ) અને ગેસ. આની ખાસિયત એ છે કે આ વસ્તુઓ જ્યાં બને ત્યાં એકસરખી જ માનવામાં આવે છે.
દિલ્હીનાં ઘઉં હોય કે પંજાબનાં ઘઉં – બંને ઘઉં જ છે. કમોડિટીની કિંમત બજારમાં માંગ અને પુરવઠા અનુસાર નક્કી થાય છે એટલે ભાવ ઊંચા-નીચા થતા રહે છે. આ વસ્તુઓનો ઉપયોગ આગળ જઈને અન્ય વસ્તુઓ બનાવવા માટે થાય છે, જેમ કે તાંબાથી તાર બને છે, તેલમાંથી પેટ્રોલ-ડીઝલ બને છે અને ઘઉંમાંથી લોટ બને છે. એટલે કે કમોડિટી કાચો માલ છે.

