Shirdi ,તા.10
શિરડીના શ્રી સાઈબાબા સંસ્થાને VIP પ્રોટોકોલ દર્શન પાસની ફીમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે VIP પ્રોટોકોલ દર્શન માટે ભક્તોએ પ્રતિ વ્યક્તિ 300 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અગાઉ આ ફી 200 રૂપિયા હતી.
એટલે કે દર્શન પાસમાં સીધો 100 રૂપિયા નો વધારો કરવામાં આવ્યો છે. સંસ્થાનના જણાવ્યા મુજબ જરૂરી ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા દર અમલમાં આવશે. જોકે સામાન્ય પેઇડ દર્શન અથવા ઝટપટ દર્શનની વ્યવસ્થામાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરરોજ હજારો ભક્તો શિરડીમાં સાઈબાબાના દર્શન કરવા આવતા હોવાથી આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.
અત્યાર સુધી VIP પ્રોટોકોલ દર્શન અને સામાન્ય પેઇડ દર્શન બંને માટે રૂ।.200ની ફી લેવામાં આવતી હતી. સામાન્ય ભક્તો રૂ।.200 ચૂકવીને ઝટપટ દર્શન માટે ગેટ નંબર 6 અને 7માંથી પ્રવેશ કરતા હતા, પરંતુ આગળ જઈને આ લાઇન સામાન્ય કતારમાં ભળી જતી હતી.
પરિણામે પૈસા ચૂકવ્યા છતાં ઘણી વખત ઝડપી દર્શનનો લાભ મળતો નહોતો. બીજી તરફ VIP પ્રોટોકોલ ધરાવતા ભક્તોને બ્રેક દર્શનની અલગ સુવિધા મળતી હતી. બંને સેવાઓની ફી સમાન હોવાથી સામાન્ય ભક્તોમાં અસંતોષ જોવા મળતો હતો. આ તફાવત દૂર કરવા અને VIP સુવિધાનું અલગ મહત્વ જાળવવા માટે સંસ્થાને VIP દર્શન પાસની ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
નવા નિર્ણય બાદ VIP પ્રોટોકોલ દર્શન માટે અરજી કરનાર દરેક ભક્તે હવે રૂ।.300ની ફી ચૂકવવી પડશે. સંસ્થાનનું કહેવું છે કે ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ નવા VIP પાસ સુધારેલા દરે જારી કરવામાં આવશે.

