Ahmedabad, તા.20
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી ભાવેશ રાઠોડ ઉપરાંત તેને ગુનામાં સાથ આપી આશરો આપનાર તેની બહેન કોમલ રાઠોડ અને બનેવીને ર0-20 વર્ષની સજા ફટકારી છે.
આરોપી ભાવેશ રાઠોડ વિજાપુરની સગીરાને લગ્નની લાલચ આપી ભરૂચ બસ સ્ટેન્ડ ખાતે બોલાવી ભગાડી ગયો હતો. ત્યારબાદ તે સગીરાને પોતાની બહેન કોમલ અને બનેવી કિશનના ઘરે લઈ ગયો હતો. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૃત્યમાં બહેન અને બનેવીએ આરોપીને આશરો આપી ગુનામાં મદદગારી કરી હતી, જે અંગે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસ મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એમ. એફ.ખત્રીએ પુરાવાઓ ધ્યાને લઈ ત્રણેય આરોપીઓને 20-20 વર્ષની કેદ અને કુલ 63,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને ભવિષ્ય માટે 3 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.
ન્યાયિક પ્રક્રિયા દરમિયાન સરકારી પક્ષે 11 સાક્ષીઓની તપાસ કરી હતી અને 48 જેટલા લેખિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ ઉપરાંત FSL રિપોર્ટ અને મેડિકલ સર્ટિફિકેટ જેવા ટેકનિકલ પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા.
ગુનામાં સીધી રીતે સંડોવાયેલા ન હોવા છતાં આશરો આપનાર સંબંધીઓને પણ કડક સજા થતા સમાજમાં ગુનેગારોને મદદ કરનારા તત્વો માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે.

