Indore,તા.08
મધ્યપ્રદેશનાં ઇન્દોર-ઉજ્જૈન રોડ પર ગુરુવારે સવારે રહસ્યમય સંજોગોમાં ત્રણ બિનવારસી બેગ મળી આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બેગમાંથી અંદાજે 2.83 કરોડ રૂપિયાની ચલણી નોટોના બંડલ મળી આવ્યાં હતાં. જોકે, પોલીસે જ્યારે આ બંડલોની તપાસ કરી ત્યારે તેમાં મોટી છેતરપિંડીનો ખુલાસો થયો છે.
આ ઘટના સાવેર-ઉજ્જૈન રોડ પર આવેલાં ભુટ્ટા ચોક પાસે બની હતી. એક સ્થાનિક ખેડૂતે ઝાડ નીચે ત્રણ બિનવારસી બેગ પડેલી જોઈ હતી. લાંબા સમય સુધી કોઈ તેને લેવા ન આવતાં ખેડૂતે શંકાના આધારે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બેગમાં 500 રૂપિયાની નોટોના અસંખ્ય બંડલ જોવા મળ્યાં હતાં, જેનાથી એક સમયે આખા વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
પોલીસે જ્યારે બેગ કબજે કરીને બંડલોની બારીકાઈથી તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ કોઈ મોટા કૌભાંડનો ભાગ હતો. બંડલોની ઉપર અને નીચે માત્ર થોડી જ અસલી નોટો મૂકવામાં આવી હતી, જ્યારે અંદરનાં ભાગમાં નકલી નોટો અને નોટોનાં કદના કાપેલાં રંગીન કાગળો ભરેલાં હતાં. કુલ 2.83 કરોડની દેખાતી આ રકમમાં અસલી નોટો બહુ ઓછી હતી.
પોલીસને શંકા છે કે, આ બેગ કોઈને છેતરવા માટે અથવા કોઈ ગેરકાયદેસર વ્યવહાર માટે તૈયાર કરવામાં આવી હોઈ શકે છે. છેતરપિંડી કરનારી ટોળકી સામેવાળી વ્યક્તિને ઉપરથી અસલી નોટો બતાવીને કરોડો રૂપિયા પડાવવાનું કાવતં ઘડી રહી હોય તેવી પૂરી શક્યતા છે.
કોઈ કારણોસર પકડાઈ જવાનાં ડરથી આરોપીઓ આ બેગ રસ્તામાં જ મૂકીને ભાગી ગયા હોવાનું મનાય છે. ઇન્દોર પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને હાઈવે અને આસપાસનાં વિસ્તારોનાં CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ બેગ ત્યાં કોણ મૂકી ગયું અને તેની પાછળ કોનું મગજ છે તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં તમામ શંકાસ્પદ બંડલો જપ્ત કરી લેવામાં આવ્યાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.

