Botad તા.10
આરોપીઓને થયેલ સજા અંગેની હકીકત એવા પ્રકારની છે કે, રાકેશભાઈ છે કે, રાકેશભાઈ રમણભાઈ ગોહિલ બોટાદ જીલ્લાના ગઢડા ગામે આવેલ પી.વિજય આંગડીયા પેઢીમાં વર્ષ 2019માં નોકરી કરતા હતા ત્યારે તા.5/6/2019ના રોજ ગઢડા આંગડીયા ઓફીસમાં હીરાના પાર્સલ નંગ-42 થેલામાં લઈને મોટર સાયકલ ઉપર ગઢડાથી ઉગામેડી જવા નિકળ્યા ત્યારે ગઢડાથી ચાર કી.મી. દુર તેઓ જઈ રહ્યા હતા.
ત્યારે એક કાળા કલરની ફોરવ્હીલ ગાડીમાં ચાર અજાણ્યા ઈસમો આવેલા અને ફરીયાદીની મોટર સાયકલને ટલ્લો મારી દઈને પાડી દીધેલ અને ગાડીમાંથી ઉતરી એક ઈસમે ફરીયાદીના વાસામાં ધોકો મારેલ અને ફરીયાદી પાસે રહેલ પાર્સલનો થેલો કે જેમાં કુલ રૂા.3928000ના હીરાના પાર્સલ હતા તે લુટી લીધેલ અને આરોપીઓ ભાગી ગયેલ.
આ અંગેની ફરીયાદ ગઢડા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે ગુનો દાખલ કરેલ. ગુન્હાની તપાસ દરમ્યાન લુટાઈ ગયેલ મુદામાલ તથા સાત આરોપીઓ મળી આવેલ અને આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવેલ. આરોપીઓ વિરૂધ્ધ પુરતા પુરાવા મળી આવતા તપાસ કરનાર અધિકારીએ બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ.
સદર કામે સરકાર પક્ષે 65 દસ્તાવેજી પુરાવા તથા 19 સાક્ષીઓને તપાસવામાં આવેલ અને જીલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને રજુઆતો ધ્યાને લઈ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે ત્રણ આરોપીઓ (1) અશોકભાઈ બચુભાઈ કિહલા (રહે. અમરાપર તા.થાનગઢ જી. સુરેન્દ્રનગર) (2) ગણેશ ઉર્ફે ગણો મેરાભાઈ નાગડુકીયા (રહે. સારસાણા તા.થાન જી. સુરેન્દ્રનગર) અને (3) મહેશભાઈ નાથાભાઈ ઝાલા (રહે. વીજળીયા તા.ગઢડા જી. બોટાદ)ને ઈ.પી.કો. કલમ 395ના ગુન્હામાં સાત-સાત વર્ષની સખત કેદની સજા તથા દંડ ફરમાવેલ છે.

