Rajkot,તા.12
એમઆરઆઈ, એન્જિયોગ્રાફી, સારવાર ખર્ચ સહિતના ખોટા દસ્તાવેજો ઊભા કરી 40 લાખનો ઇન્સ્યોરન્સ ક્લેઇમ ઉપજાવી કાઢવાનું કૃત્ય આચરવાના મેડિક્લેમ ધારક, તબીબો સહિતના લોકો સામે નોંધાયેલા ગુનામાં પકડાયેલા આરોપીઓમાં ડો. અંકિત કાથરાણીની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, મયુર છુછાર આઈસીઆઈસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની ક્રિટીસ પોલિસી ધરાવતા હોય, તેણે તેના માથાના દુઃખાવાની સારવાર સમર્પણ હોસ્પિટલ લાખના બંગલા રોડ રામાપીર ચોકડી પાસે, ગાંધીગ્રામ, 150 ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે કરાવી હતી. જેની સારવાર પેટે રૂ. 40 લાખની મેડીક્લેમની રકમ મેળવવા માટે ખોટા એમઆરઆઈ અને એન્જિયોગ્રાફી સહિતના બિલ રજૂ કરવા અને સમર્પણ હોસ્પિટલ (ગાંધીગ્રામ)ના ડો. મેહુલ સોલંકી પાસે સારવારના કાગળોમાં ડાબી બાજુ પેરાલીસીસની અસર થયેલાનું તથા ડો. મનોજ સીડાના સારવારના કાગળોમાં જમણી બાજુ પેરાલીસીસની અસર થયેલાનું બે વિરોધાભાસી કાગળો રજૂ કરી 40 લાખનો ઇન્સ્યોરન્સ ક્લેઇમ ઉપજાવી કાઢવાનું કૃત્ય આચરવા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસ દ્વારા મયુર છુછાર, સમર્પણ હોસ્પિટલના તબીબો ડો. અંકિત હિતેશભાઈ કાથરાણી, ડો. મેહુલ સોલંકી, ડો. મનોજ સીડા સહિતના સામે ગુનો નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ડો. અંકિત હિતેશભાઈ કાથરાણીએ જેલમાંથી જામીન પર છુટવા માટે જામીન અરજી કરેલી, જે જામીન અરજી નામંજૂર કરાવવા પોલીસ તરફથી સોગંદનામાં રજૂ થયેલા અને સરકાર તરફે બીનલબેન રવેશીયા હાજર થયેલા, જામીન અરજી નામંજૂર કરવી જોઈએ., આ મતલબની દલીલો ધ્યાને લઈ સેશન્સ જજ શર્માએ આ કેસમાં ડોક્ટર અંકિત કાથરાણીની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં સરકાર તરફે બીનલબેન રવેશીયા રોકાયા હતા.