Rajkot,તા,29
રાજકોટ શહેરની ભાગોળે આવેલ શાપર-વેરાવળ ખાતે યુવાન પર મોટર સાયકલ ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ યુવાનના ઘરે ધસી આવી મહિલા સહિતની ત્રિપુટીએ ધોકા-પાઈપ વડે હુમલો કરી યુવકનો હાથ ભાંગી નાખ્યો હતો. વધુમાં યુવાનના મોટરસાયકલમાં પણ તોડફોડ કરી હતી. જે મામલે શાપર (વે.) પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મુળ બગસરા તાલુકાના ખારી ખિજડિયા ગામના વતની અને હાલ રાજકોટની ભાગોડે શાપર વેરાવળ મુકામે વિરવા રોડ પર શિવમપાર્ક સોસાયટી શેરી નં. 3 બ્લોક નં. 13 ખાતે રહેતા 29 વર્ષીય યુવાન અનિલ કુમાર ભુપતભાઈ મકવાણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નરેશ અશોકભાઈ, દિપક અશોકભાઈ (બન્ને રહે. આનંદ રેસીડેન્સી, લોધીકા) અને સોનલબેન (રહે. શિવમ પાર્ક શાપર-વેરાવળ)નું નામ આપતા જણાવ્યું હતું કે, ગત તા. 27 ના રોજ સવારના 9:30 કલાકે હું મારા ઘરેથી દુકાને દુધ લેવા ચાલીને જતો હતો ત્યારે મારી સામેથી નરેશભાઈ પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ આવતા હોય તેણે કાવો મારી મારી ઉપર વાહન ચડાવી દેવાની કોશીષ કરેલ હતી. જેથી મે નરેશભાઈને મોટરસાયકલ સરખુ ચલાવવાનું કહેતા તેણે મને કહેલ કે, તારા બાપનો રોડ નથી જેથી મે તેને આવુ બોલવાનું ના પાડતા તેણે કહેલ કે તુ શિવમ પાર્ક બહાર આવતો રહે ત્યાં બધુ પતાવી દેશું કહી તે જતો રહેલ હતો. અને હું પણ ઘરે આવતો રહ્યો હતો. થોડીવાર બાદ નરેશભાઈ, દિપકભાઈ અને સોનલબેન મારા ઘર પાસે ધસી આવેલ હતાં. ત્યારે નરેશભાઈ અને દિપકભાઈ બન્નેના હાથમાં લાકડાનો ધોકો હતો. તેઓ કહેતા હતાં કે આ અનિલનું મકાન છે આ મોટર સાયકલ પણ અનિલનું છે. કહી ને ઘર બહાર પાર્ક કરેલું મારુ મોટરસાયકલ જેના રજી. નં. જીજે 14 બીબી 0225 માં નરેશભાઈ અને દિપકભાઈ લાકડાના ધોકા વડે ઘા ઝીંકી તોડફોડ કરી હતી. બાદ હું ઘર બહાર નિકળતા બન્ને મને ગાળો આપવા લાગેલ હતાં. જેથી મે ગાળો આપવાની ના પાડતા નરેશભાઈએ ધોકા વડે મને જમણા કાનની પાછળના ભાગે ઘા ઝીંકી દેતા હું નિચે પડી ગયેલ હતો. બાદ દિપકભાઈ અને સોનલબેને મને પકડીરાખેલ જ્યારે નરેશભાઈએ ધોકા વડે જમણા હાથ પર કોણીના ભાગે, ખભા પર, બન્ને સાથળના ભાગે, પીઠના ભાગે ઘા ઝીંકી દીધા હતાં. જ્યારે દિપકભાઈએ તેના હાથમાં રહેલ સ્ટીલના પાઈપ વડે મને પીઠના ભાગે ઘા ઝીંકી ગાલ ઉપર ફડાકા મારેલ હતાં. સોનલબેને મને માથામાં તેમજ શરીરે પાટા વડે માર મારેલ હતો. બાદમાં સ્થાનિકો એકત્રિત ન થતાં ત્રણેય શખ્સો નાશી ગયેલ હતાં બાદ મારા પત્ની, ભાઈ, આવી જતાં મને સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં મને જમણા હાથમાં કોણીના ભાગે ફ્રેક્ચર થયાનું તબીબે જાહેર કર્યુ હતું. શાપર-વેરાવળ પોલીસની ટીમે ગુનો નોંધી ત્રણેય શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
