(સલીમ પતાણી દ્વારા)
Kotda Sangani તા.૧૪ઃ
કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા એક દિવસથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકાભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
કોટડાસાંગાણી તાલુકા પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદ પડેલ છે, જેમાં ભાડવા, રાજપરા, ખરેડા, રાજગઢ, માણેકવાડા, મોટા માંડવા, અરડોઈ, રામોદ, મોટી મેઘણી, ભાડુઈ, સોળીયા અને આણંદપર સહિત અનેક પંથકોમાં ધોધમાર વરસાદ વરસી હોવાના અહેવાલ છે.
આ ભારે વરસાદને કારણે કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે ખેડૂતોના ખેતરોના રસ્તાઓ ધોવાઈ ગયા છે તેમજ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ભાડવા ગામે નવા પુલનું કામ ચાલુ હોવાથી તેના માટે ડાયવર્ઝન (વૈકલ્પિક રસ્તો) બનાવવામાં આવ્યું હતું, જે વરસાદના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું હતું. આ ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે ૧૦ થી ૧૫ જેટલા ખેડૂતોને પોતાની વાડીએ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આજે બપોરે ૪ થી ૬ વાગ્યા દરમિયાન માત્ર બે જ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને આ સમયગાળા દરમિયાન ૮૨ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાત્રીના ૧૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ ૯૫ મીમી વરસાદ નોંધાયાના અહેવાલ છે. સમાચાર લખાય છે ત્યારે પણ પંથકમાં વરસાદ યથાવત રહ્યો છે, જેના કારણે સ્થાનિક ડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
ભારે વરસાદના પગલે પંથકના મુખ્ય રસ્તાઓ અને માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર પર પણ થોડી અસર જોવા મળી હતી. સતત ઉકળાટ અને ગફલતભર્યા વાતાવરણ બાદ તૂટી પડેલા આ તોફાની વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ છે અને નાગરિકોએ ભારે રાહત અનુભવી છે.

