કપાસ, મગફળી અને સોયાબીનના પાક માટે વરસાદ બન્યો કાચું સોનું, ખેડૂતોમાં ખુશીનો માહોલ
કિશનસિંહ મોરબીયા –
Virpur તા.૨૦ઃ
યાત્રાધામ વીરપુરમાં સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વીરપુર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વીરપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે ટૂંકા સમયગાળામાં જ રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસાદના કારણે મોટી રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા વીરપુરની ગલીઓ અને બજારોમાં પણ ઠંડકનો અનુભવ થયો હતો.
બીજી તરફ, વીરપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. પાકને હાલ પાણીની જરૂરિયાત વચ્ચે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વરસાદને ખેડૂતો કાચું સોનું ગણાવી રહ્યા છે.
ખાસ કરીને કપાસ, મગફળી અને સોયાબીનના ઉભા પાકને વરસાદથી ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદના આગમનથી ખેતરોમાં પણ હરિયાળી છવાવાની સાથે પાકના વિકાસને વેગ મળવાની આશા સેવાઈ રહી છે.આમ, વીરપુરમાં ભારે પવન, ગાજવીજ અને ધોધમાર વરસાદ સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં એક તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી તો બીજી તરફ વરસાદે ખેડૂતોના પાકમાં નવી આશા જગાવી છે.

